મુંબઈ : ભારતીય શેર બજારોમાં પાછલા સપ્તાહમાં ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્વના નામે મોટાપાયે ઓવરબોટ પોઝિશન ફંડો, ખેલંદાઓએ ખંખેરીને અપેક્ષિત મોટું કરેકશન-ઘટાડો આપ્યો છે. ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ( એફ એન્ડ ઓ)ના જુગારમાં ખેલાડીઓને ખાસ ઓપ્શન્સમાં ખેલો કરવાની લતે ચડેલાઓને ખુવાર કરીને બજારે સપ્તાહના અંતે રિકવરી બતાવી છે. વૈશ્વિક બજારોમાં પણ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્વ મામલે અનિશ્ચિતતાની સ્થિતિ અને અમેરિકામાં બોન્ડ યીલ્ડ વર્ષ ૨૦૦૭ બાદ પ્રથમ વખત પાંચ ટકાની ઊંચી સપાટીએ પહોંચી જવા, ચાઈનાના સ્ટીમ્યુલસ પગલાં કારગત નીવડવા વિશે આશંકા સાથે સંકટના નવા નવા ફણગાં ફૂટી રહ્યા હોઈ અનિશ્ચિતા કાયમ રહેતાં સાવચેતીમાં વૈશ્વિક નરમાઈ જોવાઈ છે. વૈશ્વિક ટેક જાયન્ટ એમેઝોન, ઈન્ટેલ પ્રેરિત કંપનીઓના પરિણામો સારા રહેતાં એક તરફ નાસ્દાકમાં તેજીની રિલીઝ રેલી જોવાયા સામે ન્યુયોર્ક શેર બજારમાં સતત ધોવાણ થઈ રહ્યું છે. યુરોપના બજારો પણ સપ્તાહના અંતે નરમાઈ તરફી રહ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે હવે આગામી સપ્તાહમાં યુ.એસ. ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગ બાદ ૧, નવેમ્બર ૨૦૨૩ના વ્યાજ દરના જાહેર થનારા નિર્ણય, એ પૂર્વે બેંક ઓફ જાપાનની ૩૧, ઓકટોબર ૨૦૨૩ના મીટિંગમાં વ્યાજ દર નિર્ણય તેમ જ ૧, નવેમ્બર ૨૦૨૩ના એસ એન્ડ પી ગ્લોબલ મેન્યુફેકચરીંગ પીએમઆઈની ઓકટોબરના જાહેર થનારા આંક અને ૩, નવેમ્બરના સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક પર નજર રહેશે.
ઈઝરાયેલી સેના ગાઝામાં પ્રવેશી જતાં અને હવે ઈરાન આ યુદ્વમાં સીધું ઝંપલાવશે તો બજાર માટે જોખમી સ્થિતિ સર્જાય
ઘર આંગણે કોર્પોરેટ પરિણામોની સીઝન પણ એકંદર સારી નીવડી રહી છે, સપ્તાહના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સાંજે જાહેર થયેલા પરિણામ શકય છે બજારને આગામી સપ્તાહમાં જરૂરી સપોર્ટ આપી શકે. પરંતુ હજુ ઈઝારાયેલના હમાસને નેસ્તનાબૂદ કરવાના આક્રમક વલણ અને મિડલ ઈસ્ટના દેશોના ઈઝરાયેલ સામે વધતા આક્રોશને લઈ હજુ આ યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાવાનું જોખમ રહ્યું છે. ઈઝરાયેલ આ યુદ્વમાં હવે જમીન માર્ગે ગાઝા-પેલેસ્ટાઈનની સરહદમાં પ્રવેશી હુમલા ચાલુ કરી દેતાં યુદ્વ આક્રમક બનવાના એંધાણ અને ઈરાન આ યુદ્વમાં સીધું ઝંપલાવશે તો વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારો માટે પણ જોખમી સ્થિતિ સર્જાતી જોવાઈ શકે છે. અન્યથા બજારમાં સુધારાની ચાલ આગળ વધતી જોવાશે. નવા સપ્તાહમાં કંપની પરિણામોમાં ૩૧, ઓકટોબરના લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલના રિઝલ્ટ, ૧, નવેમ્બરના ટાટા સ્ટીલ, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ અને ૨, નવેમ્બરના ટાટા મોટર્સના અને ૩, નવેમ્બર ૨૦૨૩ના ટાઈટન કંપનીના જાહેર થનારા પરિણામ પર બજારની નજર રહેશે. આ પરિબળો વચ્ચે હવે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૬૨૭૭૭ની મજબૂત ટેકાની સપાટીએ ૬૪૭૭૭ ઉપર બંધ થતાં ૬૫૭૭૭ અને નિફટી સ્પોટ ૧૮૭૭૭ના મજબૂત સપોર્ટે ૧૯૩૩૩ ઉપર બંધ થવાના સંજોગોમાં ૧૯૬૬૬ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : AKZO NOBEL INDIA LTD.
બીએસઈ(૫૦૦૭૧૦), એનએસઈ (AKZOINDIA) લિસ્ટેડ રૂ.૧૦ પેઈડ-અપ, ભારતમાં ૬૦ વર્ષથી અસ્તિત્વમાં,મલ્ટિનેશનલ એક્ઝો નોબલ એન.વી. નેધરલેન્ડસના ૭૪.૭૬ ટકા એમએનસી પ્રમોટર્સ હોલ્ડિંગ(સંપૂર્ણ માલિકીની સબસીડિયરીઓ ઈમ્પિરીયલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનાઈટેડ કિંગ્ડમ અને એક્ઝો નોબલ કોટિંગ્સ ઈન્ટરનેશનલ બી.વી., નેધરલેન્ડ મારફત)ની, ISO 45001(OHSAS), ISO 9001, ISO 14001 Certified, એક્ઝો નોબલ ઈન્ડિયા લિમિટેડ (AKZO NOBEL INDIA LIMITED) અગ્રણી પેઈન્ટસ અને કોટિંગ્સ મેન્યુફેકચરીંગ કરતી છે. કંપનીઉદ્યોગો અને ગ્રાહકોને તેના ઉત્પાદનો સપ્લાય કરે છે. પેરન્ટ એક્ઝો નોબલ વિશ્વની સૌથી મોટી કોટિંગ્સ કંપની છે. જે વિશ્વભરમાં ઘણા દેશોમાં પોતાની બ્રાન્ડસ સાથે અગ્રણી છે. નેધરલેન્ડમાં હેડક્વાટર ધરાવતી એક્ઝોનોબલ ૧૫૦થી વધુ દેશોમાં ૩૩,૦૦૦ કર્મચારીઓ સાથે સક્રિય છે.
મેન્યુફેકચરીંગ સવલતો-ઉત્પાદનો :
કંપની તેની ભારતમાં પાંચ મેન્યુફેકચરીંગ સવલતો ઉત્તર ભારતમાં મોહાલી-ચંડીગઢ, પૂર્વ અને મધ્ય ભારત માટે ગ્વાલિયર-મધ્ય પ્રદેશ, મધ્ય ભારત અને નિકાસો માટે થાણે-મહારાષ્ટ્ર તેમ જ દક્ષિણ ભારત માટે હૈદરાબાદ અને બેંગ્લુરૂ ખાતે ધરાવે છે. આ સિવાય કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરો(આર એન્ડ ડી) થાણે અને બેંગ્લુરૂ ખાતે ધરાવે છે. કંપનીના ઉત્પાદનો ડયુલક્ષ, ઈન્ટરનેશનલ, ઈન્ટરપોન, સિક્કેન્સ અને કોટિન છે. આ ઉત્પાદનો ઘરો, ઈન્સ્ટીટયુશન્સ, બિલ્ડર્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરનારાઓ માટે બનાવે છે.
ભારતમાં પેઈન્ટસ અને કોટિંગ્સ ઉદ્યોગ માટે આર્કિટેકચરલ અને ઈન્ડસ્ટ્રીયલ સેગ્મેન્ટ્સમાં પ્રમુખ ગ્રાહકો છે. જેમાં આર્કિટેક્ચરલ સેગ્મેન્ટમાં પેઈન્ટસનો વપરાશ વોલ્યુમની રીતે ૬૯ ટકા અને ઈન્ડસ્ટ્રીયલ સેગ્મેન્ટસમાં ૩૧ ટકા રહે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પેઈન્ટસ અને કોટિંગ્સ ઉદ્યોગ માટે પોઝિટીવ ડેવલપમેન્ટ કાચામાલોના ભાવમાં ઘટાડાના સર્જાયા છે. ઈનપુટ ખર્ચામાં ૫૫થી ૬૦ ટકા હિસ્સો કાચામાલનો રહે છે.ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડા અને અન્ય કોમ્પોનન્ટસમાં ઘટાડાએ ઉદ્યોગ માટે માર્જિન સ્થિતિ સુધરી છે.
શેર હોલ્ડિંગની વિગત : ૩૧, માર્ચ ૨૦૨૨ની તુલનાએ એક વર્ષમાં થયેલા કુલ શેરહોલ્ડિંગના ફેરફાર ધોરણે ૩૧,માર્ચ ૨૦૨૩ મુજબ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગમાં ઈમ્પિરીયલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ-યુ.કે. ૨૨,૯૭૭,૫૪૪ શેરો૫૦.૪૬ ટકા હોલ્ડિંગ ( ૨૨,૯૭૭,૫૪૪ શેરો ૫૦.૪૬ ટકા), એક્ઝો નોબલ કોટિંગ્સ ઈન્ટરનેશનલ બી.વી. ધ નેધરલેન્ડ્સ ૧૧,૦૬૬,૭૯૧ શેરો ૨૪.૩૦ ટકા હોલ્ડિંગ(૧૧,૦૬૬,૭૯૧ શેરો ૨૪.૩૦ ટકા હોલ્ડિંગ ) મળીને કુલ ૩૪,૦૪૪,૩૩૫ શેરો ૭૪.૭૬ ટકા હોલ્ડિંગ ધરાવે છે. ૨૨,મે ૨૦૧૮ના શેરધારકો ઠરાવ મંજૂરીએ એક્ઝો નોબલ ઈન્ડિયા લિમિટેડ૧૧,૨૦,૦૦૦ શેરો ખરીદવામાં આવ્યા હતા. અન્ય શેર હોલ્ડિંગમાં એશીયન પેઈન્ટસ લિમિટેડ પાસે ૪.૪૨ ટકા, નાણા સંસ્થાઓ, એચએનઆઈઝ અને મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૩.૭૧ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો-રીટેલ ઈન્વેસ્ટરો પાસે ૬.૮૭ ટકા શેરો છે.
બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૬૬માં ૨:૫ શેર, વર્ષ ૧૯૭૮માં ૧:૩ શેર બોનસ
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૦માં ૧૪૦ ટકા, વર્ષ ૨૦૨૧માં ૫૦૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૭૫૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૬૫૦ ટકા
શેર દીઠ કમાણી(ઈપીએસ) : માર્ચ ૨૦૨૦માં રૂ.૫૨.૧૩, માર્ચ ૨૦૨૧માં રૂ.૪૫.૫૯, માર્ચ ૨૦૨૨માં રૂ.૬૩.૭૪, માર્ચ ૨૦૨૩માં રૂ.૭૩.૬૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૪માં રૂ.૧૦૧.૭૬
આવક : માર્ચ ૨૦૨૦ના રૂ.૨૬૬૧ કરોડ, માર્ચ ૨૦૨૧ના રૂ.૨૪૨૧ કરોડ, માર્ચ ૨૦૨૨ના રૂ.૩૧૪૮ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૩૮૦૨ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૂ.૪૧૮૭ કરોડ
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૦ના રૂ.૨૭૧.૬૯, માર્ચ ૨૦૨૧ના રૂ.૨૮૨.૭૪, માર્ચ ૨૦૨૨ના રૂ.૨૭૬.૪૧, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૮૮.૮૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૂ.૩૯૦.૬૫
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૂ.૩૮૨૯ કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૮.૭૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૩૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૩.૫૮ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ : ચોખ્ખી આવક ૬.૯૬ ટકા વધીને રૂ.૧૦૦૭.૪૦ કરોડ મેળવીને એનપીએમ ૧૦.૯૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦૯.૯૦ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિકની આવક-ઈપીએસ રૂ.૨૪.૧૨ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત નવ માસિક જુલાઈ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : અપેક્ષિત ચોખ્ખી આવકરૂ.૩૧૮૦ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૩૫૩ કરોડ થકી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૭૭.૫૮અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૧૮૭ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૪૬૩કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦૧.૭૬ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) મલ્ટિનેશનલ પ્રમોટર્સ એક્ઝો નોબલ એન.વી. નેધરલેન્ડસના ૭૪.૭૬ ટકા હોલ્ડિંગની (૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦૧.૭૬ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૯૦.૬૫ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર બીએસઈ પર રૂ.૨૪૨૨.૫૦ ( એનએસઈ પર રૂ.૨૪૨૩) ભાવે ૨૩.૮૧ના પી/ઈએ ઉપલબ્ધ છે.(૪) એશીયન પેઈન્ટસ ૬૩નો પી/ઈ, કાંસાઈ નેરોલેક ૪૫નો પી/ઈ, ઈન્ડિગો પેઈન્ટસ ૪૬નો પી/ઈ, બર્જર પેઈન્ટસ ૭૦નો પી/ઈ મેળવી રહી છે અને ઉદ્યોગના સરેરાશ ૬૨ના પી/ઈ સામે મલ્ટિનેશનલ કંપની એક્ઝો નોબલ ઈન્ડિયા લિમિટેડને ૩૦નો પી/ઈ મળવો જોઈએ.