- વધુ બે લૉકર તોડાતાં તેમાંથી 1.37 કરોડ રોકડા, 400 ગ્રામ સોનું નીકળ્યું
- આવકવેરા વિભાગે 80 લૉકર અત્યંત સંવેદનશીલ ગણાવ્યાં
- પ્લાઝામાં અંદાજે 1,100 પ્રાઇવેટ લૉકર્સ માંથી 540 લૉકર એક્ટિવ નથી
આવકવેરા વિભાગની ટીમ જયપુરના ગણપતિ પ્લાઝામાં પ્રાઇવેટ લૉકર્સ ખોલી રહી છે. આ લૉકર્સમાંથી અત્યાર સુધીમાં 7 કરોડ રૂપિયા જેટલી રોકડ રકમ તથા 12 કિલો સોનું જપ્ત કરાયું છે. શુક્રવારે બે લૉકર તોડવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 1.37 કરોડ રૂપિયા રોકડા અને 400 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આવકવેરા વિભાગે અંદાજે 80 લૉકર અત્યંત સંવેદનશીલ હોવાનું જણાવ્યું છે. પ્લાઝામાં અંદાજે 1,100 પ્રાઇવેટ લૉકર્સ છે, જેમાંથી 540 લૉકર એક્ટિવ નથી. કેટલાક લૉકર એવા પણ છે કે જેમના માલિકના નામ-સરનામા જ ઉપલબ્ધ નથી. મતલબ કે આ લૉકર્સ જેમના નામ પર લેવાયા છે તેમનું કોઇ અસ્તિત્વ જ નથી. ગયા મહિને ભાજપના રાજ્યસભા સાંસદ કિરોડીલાલ મીણા આ લૉકર્સ ખોલાવવા ધરણા પર બેઠા હતા અને તેમણે આરોપ મૂક્યો હતો કે આ લૉકર્સમાં રાજસ્થાનના પેપર લીક સહિતના કૌભાંડોનું કાળું ધન રખાયું છે. મીણાના આરોપો બાદ આવકવેરા વિભાગની ટીમે ગત 13 ઓક્ટોબરે ગણપતિ પ્લાઝાની પહેલી તલાશી લીધી હતી અને લૉકર હોલ્ડર્સનો ડેટા તૈયાર કર્યો હતો.
મેં કહ્યું હતું એવું જ થયું : કિરોડીલાલ મીણા
ગણપતિ પ્લાઝાના લૉકર્સમાંથી રોકડ રકમ અને સોનું મળી આવવા અંગે કિરોડીલાલ મીણાએ જણાવ્યું કે છેવટે મેં કહ્યું હતું એવું જ થયું. તેમનું કહેવું હતું કે ગણપતિ પ્લાઝાના 100 લૉકરમાં 50 કિલો સોનું અને અંદાજે 500 કરોડ રૂપિયાનું કાળું નાણું છુપાવી રખાયું છે. તેમણે આ સંદર્ભે રાજસ્થાન એસીબી, આવકવેરા વિભાગ અને ઇડીમાં ફરિયાદ પણ નોંધાવી હતી.