- બોપલ પોલીસની 50 ડગલા દૂર ફાયરિંગ થયુ
- ઋતુરાજ જાડેજાએ જમીન દલાલી માટે ઓફિસ ભાડે રાખી
- તમામ આરોપીના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરાશે
અમદાવાદમાં બોપલ પોલીસની આંખ નીચે જમીન દલાલની ઓફિસમાં 7 રાઉન્ડ ફાયરિંગ થયુ છે. જેમાં ફાયરિંગની તપાસ કરતા દારૂની મહેફિલનો મામલો પણ સામે આવ્યો છે. બોપલ પોલીસે 6 આરોપીની ધરપકડ કરીને હથિયાર જપ્ત કર્યું છે. ત્યારે જમીન દલાલોની મહેફિલમાં ફાયરિંગ કેમ થયું તેને લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બોપલ પોલીસની 50 ડગલા દૂર ફાયરિંગ
બોપલ પોલીસની 50 ડગલા દૂર આવેલા સેલિબ્રેશન સીટી સેન્ટરના પાંચમા માળે ફાયરિંગ અંગે પોલીસને માહિતી મળતા બોપલ પોલીસે ઘટના સ્થળેથી 6 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી સ્ટાર્ટ રિવોલ્વર અને યુએસ બનાવટની પિસ્તોલ કબ્જે કરી છે. સાથે જ ઓફિસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાથી 23 નંગ બિયર અને એક દારૂની બોટલ કબ્જે કરવામાં આવી છે. અને મહેફિલ માણી રહેલા 6 આરોપીમાં મહાવિરસિંહ ભાવસંગ જાડેજા, ફતુભા બળવંતસિંહ જાડેજા, રુતુરાજસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા, સુરજ મણીલાલ ભરવાડ, કેદાર ગોવિંદ પટવા અને મહેન્દ્ર બાબુભાઈ ઠાકોરની ધરપકડ કરી છે. મહેફિલ અને આર્મસ એક્ટની કલમો હેઠળનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ઋતુરાજ જાડેજાએ જમીન દલાલી માટે ઓફિસ ભાડે રાખી
બોપલ સોબો ચાર રસ્તા પાસે આવેલી સેલિબ્રેશન સીટી સેન્ટરના 5 માળે આરોપી ઋતુરાજ જાડેજાએ જમીન દલાલી માટે ઓફિસ ભાડે રાખી હતી. જ્યાં આરોપીઓ દારૂની મહેફિલ માણવા માટે ભેગા થયા હતા. અને દારૂના નશામાં આવીને મહાવીરસિંહ જાડેજાએ સ્ટાર્ટથી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જોકે પોલીસ આવી જતા ઋતુરાજ અને કેદાર ધાબુ કૂદીને નાસવા જતા બન્નેને પગના ભાગે ઇજાઓ પહોંચી છે. સાથે જ ફાયરિંગ કરનાર મહાવીરની પૂછપરછ કરતા US મેડ પીસ્ટલ કચ્છના ધમભાઈ પાસેથી તેને ખરીદી હતી. પરંતુ તે મૃત્યુ પામ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવી છે. ઉપરાંત હથિયારનું લાયસન્સ ન હોવાનું પણ સામે આવતા પોલીસે હથિયારનો અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે નહી તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.
તમામ આરોપીના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરાશે
દારૂની મહેફિલમાં કબ્જે કરવામાં આવેલો દારૂ કોની પરમીટથી અને ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ પરમીટનો દારૂ અન્ય લોકોને મહેફિલમાં પીવડાવવામાં આવેલો હોવાથી પરમીટનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાથી પરમીટ રદ કરવા અને પરમીટ ધારક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી તરફ દારૂની મહેફિલમાં ફાયરિંગ થવા પાછળનું કારણ જાણવા તમામ આરોપીના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરાશે.


