- અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સહકારી રાજકારણમાં જૂથવાદ દેખાયો
- મતદાર યાદીમાં કેટલાક મતદારોને બાકાત રખાયાનો આક્ષેપ
- ચૂંટણી ન થાય તો પણ સરકાર પાસે બે વિકલ્પ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે આવકના સાધન સમાન સાબરડેરીની ચૂંટણીનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની ચગડોળે ચઢયો છે ત્યારે કેટલાક મુદ્દે અરજદારોએ રાજય રજીસ્ટ્રાર અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જોકે તેનો નિર્ણય આવ્યો નથી ત્યારે હિંમતનગરના પ્રાંત અધિકારીએ મતદાર યાદી અંગે વાંધા સુચનો મંગાવવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ હતુ. જેમાં વાંધા સૂચનો રજૂ કરવાની મંગળવારે અંતિમ મુદત અને સુનાવણી હતી ત્યારે તેમાં બંને જિલ્લામાંથી મળી અંદાજે 70 વાંધા રજૂ કરાયા હતા. જેને લઈને હિંમતનગર સ્થિત પ્રાંત કચેરીમાં સહકારી અગ્રણીઓના આંટાફેરા વધ્યા હતા. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, પ્રાંત અધિકારી દ્વારા સાબરડેરીની સુચિત મતદાર યાદી અંગે સાબરકાંઠા અને અરવલ્લીના નાગરિકોને અથવા તો સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા પદાધિકારીઓને વાંધો હોય તો તે રજૂ કરવા માટે હિંમતનગર પ્રાંત અધિકારીએ થોડા દિવસ અગાઉ જાહેરનામું પ્રસિધ્ધ કરીને મતદાર યાદી અંગે વાંધા સુચનો મંગાવ્યા હતા. જેના ભાગરૂપે મંગળવારે વાંધો સૂચનો રજૂ કરવાની અને તે અંગે સાંભળવાની તક આપવા માટેની મુદત હોવાથી બંને જિલ્લાના સહકારી અગ્રણીઓએ બપોરે 3 વાગ્યા પહેલા પ્રાંત કચેરીમાં પહોંચી ગયા હતા. જેમાં કેટલાક અગ્રણીઓએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતુ કે, સાબરડેરીના નિયામક મંડળે જે મતદાર યાદીની દરખાસ્ત પ્રાંતને મોકલી આપી છે તેમાં નવા લગભગ 30થી વધુ મતદારોનો ઉમેરો કરાયો છે. તો બીજી તરફ કેટલીક મંડળીઓનું મતદાર યાદીમાં નામ દાખલ કરાયા નથી જેને લઈને બંને જિલ્લામાં નારાજગી ફેલાઈ છે. દરમ્યાન મંગળવારે પ્રાંત કચેરીમાં વાંધા સુચનો રજુ કરનાર કેટલાક સહકારી અગ્રણીઓએ મિશ્રા સુર વ્યક્ત કર્યો હતો. કેટલાકે લોકસભા પહેલાં ચૂંટણી યોજાય તો ભાજપને ફાયદો થાય તેવુ જણાવ્યુ હતુ તો કેટલાકે લોકસભા બાદ ચૂંટણી યોજાય તેમ જણાવતા હતા. જો કે કેટલાક અગ્રણીઓનું કહેવુ છે કે જો સરકાર ધારે તો લોકસભાની ચૂંટણી અગાઉ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મનદુખ અથવા તો રિસાયેલા સહકારી અગ્રણીઓને મનાવી લેવાની ત્રેવડ સહકારમાં બેઠેલા રાજકીય નેતાઓ પાસે છે અને તેઓ ડેમેજ કંટ્રોલ કરવા માટે સક્ષમ છે. છતાં આગામી દિવસોમાં સરકાર તરફથી કેવો નિર્ણય લેવાય છે તે જોવાનું રહયુ.સાબરડેરી નિયામક મંડળની તા.રર ફેબ્રુઆરી અગાઉ ચૂંટણી યોજવામાં ન આવે તે પણ સરકાર ધારે તો વર્તમાન નિયામક મંડળની મુદતમાં વધારો કરી શકે છે અથવા તો કામચલાઉ ધોરણે વહીવટદારની નિમણૂંક કરી શકે છે. પરંતુ રાજકીય રીતે જોતા નિયામક મંડળની મુદતમાં વધારો કરવાનો વિકલ્પ ખુબજ ઉચીત હોવાનું સહકારી અગ્રણીઓનું માનવુ છે. સાબરડેરીની ચૂંટણી મામલે તંત્ર દ્વારા મતદાર યાદીનું જાહેરનામું પ્રસિધ્ધ કરીને વાંધા સુચનો મંગાવાયા છે. અને આખરી મતદાર યાદી 10 ફેબ્રુઆરીએ પ્રસિધ્ધ થનાર છે પરંતુ રાજય રજીસ્ટ્રાર અને હાઈકોર્ટમાં ચાલતી રીટનો ચુકાદો ન આવે ત્યાં સુધી આગામી ચૂંટણીની પ્રક્રીયા શરૂ થાય તેમ લાગતુ નથી.


