- ‘સરપ્લસ’નાં બણગાં ફૂંકતી સરકારે બિડ મંગાવ્યાં
- અત્યારે રોજની સરેરાશ 18 હજાર મે.વો. માગ
- ઉનાળામાં 23 હજારે પહોંચવાનો GUVNLનો અંદાજ
રાજ્યમાં જરૂરિયાત કરતા વધુ વીજળીનું ઉત્પાદન થતું હોવાના છાશવારે બણગાં ફૂંકતી ગુજરાત સરકારે વધુ એક વખત 700 મેગાવોટ વીજળી ખરીદવા માટે ટેન્ડરિંગથી ભાવ મગાવ્યા છે. સરકારને આ વીજળી 15 ફેબ્રુઆરી,24થી 30 જૂન-24 સુધીના સાડા 4 મહિના માટે જોઈએ છે,
રાજ્યમાં અત્યારે શિયાળાની ઋતુ અને તાજેતરના માવઠાને કારણે દૈનિક 18 હજાર મેગાવોટની ખપત છે, જે ઉનાળાની સીઝનમાં વધીને 22 હજાર મેગાવોટ આસપાસ રહેતી હોય છે, પણ 23 હજાર મેગાવોટની માગ ઊભી થાય તો પહોંચી વળવાના આશયથી અત્યારે ટૂંકાગાળામાં 700 મેગાવોટ વીજળી ખરીદવા માટે સ્પર્ધાત્મક બિડ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે રાજ્યની ઊર્જા ક્ષેત્રની મુખ્ય કંપની જીયુવીએનએલ દ્વારા સેન્ટ્રલ સેક્ટરમાં એનટીપીસીના મથકો પાસેથી મહત્તમ 7,000થી 8,500 મેગાવોટ જેટલી વીજળી, ખાનગી કંપનીઓ-અદાણી, તાતા, એસ્સાર તથા અન્યો પાસેથી 6,500થી 7,500 મેગાવોટ વીજળી ખરીદાઈ રહી છે. જ્યારે પાવર એક્સ્ચેન્જ કોર્પોરેશન પાસેથી જરૂરિયાત મુજબ 500થી માંડીને 2,000 મેગાવોટ સુધી વીજળી મેળવાઈ રહી છે.
જીસેક હેઠળના રાજ્યની માલિકીના પોતાના એકમોની કુલ સ્થાપિત ક્ષમતા 6,680 મેગાવોટની છે, પણ એમાંથી સરેરાશ માંડ 2,500 મેગાવોટનું જનરેશન મેળવાઈ રહ્યું છે.
ખાનગી એકમો સામે જીસેકના સરકારી એકમોનું ઉત્પાદન વધુ પડતું નબળું હોઈ સરકારને લાંબા-ટૂંકા ગાળા માટે રાજ્ય બહારના સ્ત્રોતમાંથી વીજળી મેળવવી પડે છે.


