- મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો માટે,છત્તીસગઢમાં 70બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાયું
- છત્તીસગઢના ગરિયાબંદમાં નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટમાં ITBPનો જવાન શહીદ
- ઈન્દોરમાં લાઠીચાર્જ, મહૂમાં તલવારબાજી, દિમનીમાં પથ્થરબાજીની હિંસક ઘટનાઓ
દેશનાં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓ પૈકી શુક્રવારે મધ્યપ્રદેશની તમામ 230 સીટ પર તેમજ છત્તીસગઢની 90 પૈકી બાકીની 70 સીટ પર બીજા તબક્કાનું મતદાન યોજવામાં આવ્યું હતું. એમપી અને છત્તીસગઢ એમ બંને રાજ્યોમાં હિંસાની ઘટનાઓ વચ્ચે મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. મધ્યપ્રદેશમાં સાંજે 5 સુધીમાં 71.16 ટકા અને છત્તીસગઢમાં 68.15 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં ગોબરા ગામમાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં ITBPનો જવાન જોગેન્દ્રસિંહ શહીદ થયો હતો. જ્યારે એમપીમાં ઈન્દોરમાં તોફાનીઓને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરાયો હતો. મહૂમાં તલવારબાજી અને દિમનીમાં પથ્થરમારાની ઘટનાઓ બની હતી. મધ્યપ્રદેશમાં 230 સીટો પર લડી રહેલા 2533 ઉમેદવારોનું ભાવિ ઈફસ્ માં કેદ થઈ ગયું હતું. આગરમાલવામાં સૌથી વધુ 82 ટકા અને અલીરાજપુરમાં સૌથી ઓછું 56.24 ટકા મતદાન થયું હતું. બંને રાજ્યો માટે મત ગણતરી 3 ડિસેમ્બરે કરાશે અને પરિણામો જાહેર કરાશે. એમપીમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણ તેમજ નરોત્તમ મિશ્રાએ મતદાન કર્યું હતું. કોંગ્રેસ નેતા કમલનાથે છિંદવાડામાં મતદાન કર્યું હતું. એમપીમાં 5 કરોડ 60 લાખ મતદારો પૈકી 71.16 ટકાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. છત્તીસગઢમાં પહેલા તબક્કામાં 20 સીટો પર 7મીએ ભારે મતદાન થયું હતું. એમપી અને છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ભારે ઉત્સાહ સાથે મતદારો મતદાન કરવા ઊમટી પડયા હતા.
ઈન્દોર, મહૂ અને દિમનીમાં હિંસક ઘટનાઓ : જબલપુરમાં ફાયરિંગ
કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરની સીટ પર દિમની વિધાનસભામાં વિવાદ જાગ્યો હતો. અહીં બડાપુરા ગામમાં મતદારોએ દિમની થાણાને ઘેરાવો કરતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અહીં લોકોને ભાજપની તરફેણમાં મત આપવા ફરજ પડાતી હોવાનાં આક્ષેપો કરાયા હતા. ઈન્દોરમાં ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરોને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરાયો હતો. મહૂમાં મત આપવાનાં મામલે વિવાદ સર્જાતા તલવારબાજીની ઘટના બની હતી. જેમાં બેને ઈજા થઈ હતી. જબલપુરમાં કોંગ્રેસી કાર્યકરની ઓફિસ પર ફાયરિંગ કરવાની ઘટના બની હતી. રાજનગર વિધાનસભામાં કોંગ્રેસનાં ઉમેદવાર નાતીરાજા પર હિચકારો હુમલો કરાયો હતો જેમાં તેમને બચાવવા જતા સાથે રહેલા ડ્રાઈવરનું મોત થયું હતું. આ ઘટનામાં ભાજપનાં ઉમેદવાર સામે કેસ કરાયો છે.