આફ્રિકન દેશ ઈથિયોપિયામાં એક ગંભીર માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી એક ટ્રક પુલ પરથી નીચે નદીમાં ખાબકતાં 71 લોકોનાં કરુણ મોત નોંધાયા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાં 68 પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.
અન્ય પાંચ લોકોની હાલત ગંભીર છે અને હાલમાં બોના જનરલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર આ દુર્ઘટના બોના જિલ્લામાં જ સર્જાઈ હતી અને 64 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થયાં હતાં. ટ્રકમાં સવાર લોકો એક લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતાં. ટ્રક અને પુલની હાલત જર્જરિત હતી. પુલ પસાર કરતી વખતે ઓવરલોડ ટ્રકે સંતુલન ગુમાવ્યું હતું અને સીધી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના રવિવારે સાંજે સર્જાઈ હતી. ઘટનાસ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે આ પુલ પર અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. આ વિસ્તારમાં રોડની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. લોકોએ તંત્ર સમક્ષ રોડનું સમારકામ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઘટનાને પગલે મૃતકો જે પરિવારના લગ્નમાં જઈ રહ્યા હતાં ત્યાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં એક જ પરિવારના અસંખ્ય લોકોનાં મોત થયાં હતાં. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર દુર્ઘટનાનું કારણ ઓવરલોડ હતું. જો કે અધિકારીઓએ દુર્ઘટના સર્જાઈ ત્યારે ટ્રકમાં વાસ્તવમાં કેટલા લોકો સવાર હતાં તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.