- કાર ડમ્પરમાં ફસાઇને રોડ પર 100 મીટર સુધી ઘસડાતી રહી હતી
- હાઇવેના ડિવાઇડર કૂદીને કાર ડમ્પર સાથે ટકરાયા બાદ ભડકે બળી ગઈ
- ભોજીપુર પાસે કાર અચાનક જ ડ્રાઇવરના નિયંત્રણ બહાર થઇ ગઇ હતી
બરેલી-નૈનીતાલ હાઇવે પર રાતે 11 વાગ્યાના સુમારે ડમ્પર અને કાર ટકરાઇ જતાં બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. ડમ્પરનો ડ્રાઇવર તો જીવ બચાવીને ભાગી ચૂક્યો છે, પરંતુ કારમાં સફર કરી રહેલા 8 લોકો જીવતા બળીને ભડથું થઇ ગયા હતા. મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. નૈનીતાલ હાઇવે પર રાતે 11 વાગે બરેલીથી બહેડી તરફ અર્ટિગા કાર જઇ રહી હતી. હાઇવે પર ભોજીપુર પાસે કાર અચાનક જ ડ્રાઇવરના નિયંત્રણ બહાર થઇ ગઇ હતી, ડિવાઇડર કૂદીને સામેના રસ્તા પર જતી રહી અને સામેથી આવી રહેલા ડમ્પર સાથે ટકરાઇ ગઇ. ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પર અને કાર બંનેમાં આગ લાગી ગઇ હતી. કાર ડમ્પરમાં ફસાઇને રોડ પર 100 મીટર સુધી ઘસડાતી રહી હતી. કારમાં ફસાયેલા લોકોને કારમાંથી બહાર નીકળવાની તક પણ નહોતી મળી. સેવન સીટર અર્ટિગા કારમાં બેઠેલા બધા લોકો બળી ગયા હતા. રાહદારીએ જાણ કરતાં પોલીસ અને અગ્નિશમન દળ સ્થળ પર તાકીદે પહોંચી ગયા હતા અને તેમમે આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા.જોકે આગ અંકુશમાં આવી ત્યારે કારની બેઠક પર માત્ર હાડપિંજર હતા. પ્રાથમિક જાણકારી મુજબ આઠ લોકો દુર્ઘટનામાં માર્યા ગયા હતા.
છત્તીસગઢ : દુર્ઘટનામાં નવદંપતી સહિત પાંચનાં મૃત્યુ
છત્તીસગઢમાં જાન્જગીર- ચમ્પા જિલ્લામાં રવિવારે કાર અને ટ્રક વચ્ચે દુર્ઘટના સર્જાતાં નવપરિણીત યુગલ અને અન્ય ત્રણ વ્યક્તિ મળીને કુલ પાંચ લોકોના મૃત્યુ થયા હતા. લગ્ન કરીને નવદંપતી વતન પાછા ફરી રહ્યા હતા, ત્યારે પરોઢિયે દુર્ઘટના સર્જાઇ હતી.


