- સંબંધિત વિભાગ પાસેથી ડીટેઈલ રિપોર્ટ મળ્યા પછી કાર્યવાહી કરાશે
- સરકારી વેટરનરી તબીબો, પોલીસની હાજરીમાં જ પોસ્ટમોર્ટમ કરાયું
- ડીટેઈલ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવતીકાલે પ્રસિદ્ધ કરવામાં આવશે
ગુજરાત સરકારના વેટરનરી વિભાગના તબીબોની ટીમ દ્વારા તાજેતરમાં મૃત્યુ પામેલી બે ગાયના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં એક ગાયના પેટમાંથી 30 કિલોગ્રામ અને બીજી ગાયના પેટમાંથી 55 કિલોગ્રામ સહિત કુલ 80 કિલોગ્રામ પ્લાસ્ટિક, કાપડ, ગોદડી, મેટલ (સોય- ખીલી) નીકળ્યું હતું. તાજેતરમાં મૃત્યુ પામેલી ગાયોનું પોસ્ટ મોર્ટમ કરાવવા માટે બે પશુપાલકો દ્વારા કરવામાં આવેલી માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના પશુ પાલન વિભાગના વેટરનરી ડોક્ટર્સની ટીમો દ્વારા પશુ માલિકો અને પોલીસની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરીને તે અંગેનો ડીટેઈલ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવતીકાલે પ્રસિદ્ધ કરવામાં આવશે.
તાજેતરમાં ગ્યાસપુરમાં ગાય સહિત પશુઓના મૃતદેહો રઝળતા જોવા મળ્યા હોવાનો અને તે માટે તંત્ર જવાબદાર હોવાનો માલધારીઓએ આક્ષેપ કરતો વિડીયો વાયરલ કરવાને પગલે વિવાદ સર્જાયો છે. આ અંગે DYMCએ જણાવ્યું હતું કે, મ્યુનિ. સંચાલિત ત્રણ ઢોરવાડામાં છેલ્લાં કેટલાંક દિવસથી રોજના 25 પશુઓના મોત નીપજે છે. પ્લાસ્ટિક ખાવાને કારણે ગાયો સહિતના પશુઓને આફરો ચડે છે તેમજ પશુઓમાં એક્યુટ રૂમીનલ ઈન્ફેક્શન, હાયરથર્મિયા, શોક, એક્યુટ બ્લોટ, સીવીઅર ઓન્ટ્રીઝ, ગેસ્ટ્રો એન્ટ્રીટીઝ, વગેરે જેવી બીમારી જોવા મળે છે અને વેટરનરી ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે છે. AMC દ્વારા મૃત પશુઓના નિકાલ માટે મહિને 60 હજાર જેટલી રકમ ચુકવવામા આવે છે. તા.16મી જુલાઇથી 15મી ઓગષ્ટ સુધીમાં જ શહેરમાં ગાય, ભેંસ, આખલા, ઉંટ, ઘોડા, બકરા, કુતરા, સહિત કુલ 4356 જેટલા પશુ- પક્ષીઓના મૃતદેહનો નિકાલ કરાયો હતો.


