- દરેક સિઝનમાં એકાદ ઈંચ વરસાદમાં જ ઠેર ઠેર જળબંબાકારનું રહસ્ય
- ચેરમેન હજુ તો આગામી બેઠકમાં સર્વે રિપોર્ટ રજૂ કરવાના આદેશો કરે છે
- ચોમાસા પૂર્વે કામગીરી શરુ થાય તો શહેરીજનોને ફાયદો થશે
શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે 80 ટકામાં હજી સ્ટ્રોમ વોટર લાઇન નાંખવાની બાકી છે. જે વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન નથી, ત્યાં સર્વે કરીને આગામી મિટીંગમાં રજૂ કરવા મ્યુનિ.વોટર કમિટીના ચેરમેન વોટર પ્લાનીંગ વિભાગના અધિકારીઓને આદેશ કર્યો છે. ચોમાસા પૂર્વે કામગીરી શરુ થાય તો શહેરીજનોને ફાયદો થશે.
મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે. પાણી ભરાય નહીં તે માટે મ્યુનિ. દ્વારા વિશેષ આયોજન કરાય છે. પ્રિમોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરાય છે. પરંતુ અંતે તો ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં તો ઢીંચણસમા પાણી ભરાઇ જાય છે. મ્યુનિ.વિપક્ષે કહ્યું કે, પાણી ભરાય નહીં તે માટે અગાઉ સ્ટ્રોમ વોટર લાઇન નાંખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કોઇ આયોજન થયું નહીં.
બીજીતરફ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે માત્ર 20 ટકા વિસ્તારમાં સ્ટ્રોમ વોટરલાઇન છે. હવે 80 ટકામાં લાઇન નાંખવા કરોડોનો ખર્ચ કરાશે. જો મ્યુનિ.તંત્રએ 20 ટકામાં કામ કર્યુ ત્યારે જ સમગ્ર શહેરમાં સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી પૂરી કરી દેવાની હતી. પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન જરુરી છે.
મ્યુનિ. વોટર વિભાગના અધિકારીઓએ કહ્યું કે, સ્ટ્રોમ વોટર લાઇન નાંખવા માટે વિવિધ રસ્તાઓનો સર્વે, કેપેસીટી અને અન્ય પરિબળોનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરાશે. જે કમિટી સમક્ષ મુકાશે.


