દ્વારકામાં ૮૦૦ એકરમાં બનનાર એરપોર્ટ પ્રોજેકટ સામે ચાર ગામના ખેડૂતોમાં વિરોધ
જમીનનો સર્વે શરૂ થતા સુત્રોચ્ચાર, પ્રોજેકટથી ફળદુપ જમીન અને રોજગારી છીનવવાનો સ્થાનિકોમાં ડર : ખેડૂતને જાણ કર્યા વગર ખેતરમાં પ્રવેશ કરી સર્વે શરૂ કર્યાના આક્ષેપ
અગ્ર ગુજરાત, દ્વારકા
યાત્રાધામ દ્વારકામાં વધતા પ્રવાસનને ધ્યાનમાં રાખીને સૂચિત એરપોર્ટ પ્રોજેક્ટ મૂકાયો છે. વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામોની અંદાજે 800 એકર જમીન પર વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતોએ બાંયો ચડાવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી સર્વેની કામગીરીને ખેડૂતોએ ‘બળજબરી’ ગણાવી આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પ્રાંત અધિકારી, અમોલ આવટે જણાવ્યું હતું કે, વસઈ અને આસપાસના ગામોના ખેડૂતોએ આજે અમને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. હાલમાં અમે માત્ર સરકારના આદેશ મુજબ જમીનની ભૌગોલિક પરિસ્થિતિનું પ્રાથમિક નિરીક્ષણ કરી રહ્યા છીએ. આ અંગેનો વિગતવાર રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે, ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવાશે.
ખેડૂતોના મતે, વસઈ અને તેની આસપાસના વિસ્તારોની જમીન અત્યંત ફળદ્રુપ છે અને અહીં મીઠા પાણીની સારી સુવિધા છે. દ્વારકા તાલુકાની ખેતી અને પશુપાલન મોટાભાગે આ પટ્ટા પર નિર્ભર છે. ખેડૂતોએ ભય વ્યક્ત કર્યો છે કે જો આ 800 એકર જમીન સંપાદિત કરવામાં આવશે, તો હજારો ખેડૂત પરિવારો બેરોજગાર થઈ જશે અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાશે.
દ્વારકા પ્રાંત અધિકારી, મામલતદાર અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સર્વે માટે પહોંચ્યા ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓએ અગાઉ સરપંચને મીટિંગ માટે જાણ કરી હતી. ખેડૂતો મીટિંગની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તંત્રએ તેમની ગેરહાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે સીધો ખેતરોમાં સર્વે શરૂ કરી દીધો. કોઈપણ પૂર્વ મંજૂરી વિના ખેતરોમાં પ્રવેશ કરવો એ લોકશાહી વિરોધી છે.
ચારેય ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વિકાસ કે એરપોર્ટના વિરોધી નથી, પરંતુ એરપોર્ટ આ ફળદ્રુપ જમીનને બદલે દ્વારકાની આસપાસ આવેલી અન્ય બિન-ઉપજાઉ કે પડતર જમીન પર બનાવવામાં આવે. જો સરકાર આ મામલે યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં સંગઠિત થઈને કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.


