- 22 તારીખે પ્રાણપ્રતિષ્ઠા માટે 8 હજાર જેટલા લોકો અયોધ્યા જશે
- 19000 ગામોમાં 1.25 કરોડ લોકોનો જનસંપર્ક કરવામાં આવ્યો
- ગુજરાતના 11 હજાર ગામોમાં મંદિરોમાં કાર્યક્રમ યોજાશે: VHP
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નવનિર્મિત રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, દેશભરમાંથી લાખો રામભક્તો હાજરી આપે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાત માંથી પણ હજારો રામભક્તો અયોધ્યા જશે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પત્રકારો સાથે વાત કરીને માહિતી આપવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે આજે એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ગુજરાતના 8000 જેટલા લોકો હાજરી આપશે. તો, સાથે સાથે ગુજરાતના 300 જેટલા સંતો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 105 શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો અને ડોનેશન આપનાર તેમજ 18 કારસેવકનાં પરિવારો પણ અયોધ્યા જશે. તેમણે જણાવ્યું કે સિડ્યુલ કાસ્ટનાં 58 સંતો પણ જવાના છે અને તે પણ ઉત્સાહિત છે.
આ અંગે વધુ માહિતી આપતા અશોક રાવલે જણાવ્યું કે 1.25 કરોડ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો. જેમાં, 19000 ગામોમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. વધુમાં, સરકારે 22 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવેલ અડધા દિવસની રજા માટે સરકારનો આભાર માન્યો હતો. તેમજ વેપારી મંડળ દ્વારા રજાની જાહેરાતનો પણ આભાર માન્યો હતો. વધુમાં તેમણે શાળા સંચાલકોને પણ સ્કૂલોમાં રજા રાખવા માટે વિનંતી કરી હતી અને જો રજા ન રાખી શકે તો બાળકો સમગ્ર કાર્યક્રમ જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો. નાના, ઉદ્યોગકારોને પણ સવેતન રજા આપવા અપીલ કરી.
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને તેમણે જણાવ્યું કે ગુજરાતના 11 હજાર ગામોમાં મંદિરોમાં કાર્યક્રમ યોજાશે. 24 કલાક રામધૂનનો કાર્યક્રમ VHP કાર્યલય ખાતે યોજાશે. બજરંગ દળ દ્વારા અંકુર ચાર રસ્તા પાસે રાજભા ગઢવીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
2.25 કરોડ કુલ દાન ગુજરાતમાંથી મળ્યું છે અને સૌથી વધુ ડોનેશન આપનાર સુરતનાં ગોવિંદ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું છે. અક્ષત વિતરણ દરમિયાન ઘણા મુસ્લિમ પરિવાર આવે તો તેમણે પણ આ અક્ષત સ્વીકાર્યા છે.


