- શહેર-જિલ્લામાં મતદાર બનવા પુરુષોની 38 હજાર, સ્ત્રીઓની 43 હજાર અરજી
- જેટલા ફોર્મ નં-6 મળ્યાં તેની ચકાસણી બાદ પાંચમી જાન્યુઆરીએ આખરી યાદી
- કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આખરી યાદી પ્રસિદ્ધ કરવા માટેની તારીખ 5 જાન્યુ. 2024 નિર્ધારિત કરાઇ
આગામી લોકસભાની 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા 82,563 અરજદારોના ફોર્મ ભરાઇને આવ્યા છે. આમાં સૌથી વધુ 43,857 મહિલા અને 38,706 પુરુષે ફોર્મ ભર્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આખરી યાદી પ્રસિદ્ધ કરવા માટેની તારીખ પાંચ જાન્યુ. 2024 નિર્ધારિત કરાઇ છે.
ગત વિધાનસભાની ચૂંટણી બાદ અમદાાવદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ગત 27મી ઓક્ટોમ્બરના રોજ પ્રસિદ્ધ કરાયેલા ટ્રાફટ રોલની વિગતોમાં નવા મતદારો, નામ કમી અને નામ ટ્રાન્સફર મળી 30,81,231 પુરુષ અને 28,47,139 મહિલા મળી કુલ 59,28,587 મતદારો હતાં. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ગત તા.27મી ઓક્ટોમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મતદારયાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરાયો હતો. આ યાદીના આધારે સુધારા-વધારા ઉપરાંત નવા મતદારોના ફોર્મ સ્વિકારવાની અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા બૂથ લેવલ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 21 વિધાનસભામાંથી નવા કુલ 82,563 મતદારોના ફોર્મ-6 ભરાઇને આવ્યા હતાં. આ સિવાય મતદારયાદીમાંથી નામ કમી કરવા 28,157 મહિલા અને 26,495 પુરુષ મળી 54,652 એ ફોર્મ-7 અને મતદારયાદીમાં સુધારા-વધારા સહિત ટ્રાન્સફર કરવા માટે 40,274 મહિલા અને 33,858 પુરુષ મળી 74,132એ ફોર્મ-8 ભર્યા હતાં. આ વખતે ફોર્મ ભરવાની સંપૂર્ણ કામગીરી ઓનલાઇન થઇ હતી. જેમાં 20 ટકા મતદારોએ પોતાની જાતે ફોર્મ ભર્યા હતાં. જ્યારે 80 ટકા વિવિધ કચેરી અને બીએલઓ દ્વારા તેઓના મોબાઇલથી ઓનલાઇન ભરીને મોકલી અપાયા હતાં.
ઘાટલોડિયામાંથી નવા સહિત નામ કમી, ટ્રાન્સફર માટે સૌથી વધુ ફોર્મ
મતદારયાદીમાં નવા સહિત નામ કમિ અને ટ્રાન્સફર કરવા માટે ઘાટલોડિયા વિધાનસભામાંથી સૌથી વધુ મતદારોના ફોર્મ આવ્યા છે. જેમાં 6,407 નવા મતદારોએ ફોર્મ ભર્યા છે. આ સિવાય પાંચ હજારથી વધુ મતદારો ધરાવતી વિધાનસભામાં 5,471 ફોર્મ વટવા, 5,628 ફોર્મ દસક્રોઇ તાલુકામાં અને 5,807 ફોર્મ ધંધુકા તાલુકામાંથી નવા મતદારોના ભરાયા છે. જ્યારે નામ કમિ માટે ફોર્મ-7 પણ સૌથી વધ 5,426 ફોર્મ ઘાટલોડિયામાં ભરાયા છે. નામ સુધારો અને ટ્રાન્સફર કરવા પણ સૌથી વધુ ઘાટલોડિયામાં 9,294 ફોર્મ અને ત્યારબાદ દસક્રોઇમાં 6,211 ફોર્મ મતદારો દસક્રોઇ અને 5,740 ફોર્મ ધંધુકા તાલુકામાંથી ભરાઇને આવ્યા છે.


