૬ થી ૭ વર્ષથી કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા કામદારોના પી.એફ. સહિતના હક્ક હિસ્સાના લાખો રૂપિયા કોન્ટ્રાક્ટરો ઓળવી ગયાની ફરિયાદ
કોન્ટ્રાક્ટર સાથે સફાઇ કામદારની થયેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ૬-૭ વર્ષથી કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા સફાઇ કામદારોએ પ્રોવીડન્ડ ફંડ, ઇ.એસ.આઇ. સહિતના હક્ક હિસ્સાનું કથિત કૌભાંડ ખુલ્લુ પાડતા કોન્ટ્રાક્ટરોએ લડત કરનાર ૮3થી વધુ સફાઇ કામદારોને રાતોરાત કાઢી મુકતા હોબાળો મચી ગયો છે. એક મહિલા સફાઇ કામદારે કોન્ટ્રાક્ટર સાથે કરેલી ટેલિફોનિક વાતચીતની એક ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ છે.
રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા સફાઇ કામદારો છેલ્લા ઘણા સમયથી ભરતી અને કોન્ટ્રાક્ટરો દ્વારા થતા આર્થિક શોષણના પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. છેલ્લે મ્યુનિ. કમિશનરે રૂબરૂ મળીને કરેલી આક્રમક રજૂઆત વખતે કમિશનરે એક અઠવાડિયાના પ્રશ્નો ઉકેલવા પ્રક્રિયા હાથ ધરવામા આવશે તેવી ખાતરી આપી હતી. આમછતા હજુ સુધી કોઇ ઠોંસ પ્રક્રિયા તો ન થઇ પણ ઉલ્ટાનું કોન્ટ્રાક્ટર દ્વારા થતા આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવનાર ૮3થી વધુ સફાઇ કામદારોને રાતોરાત નોકરીમાંથી કાઢી મુકવામા આવ્યા છે.
રાજકોટ મનપામાં છેલ્લા ૬ થી ૭ વર્ષથી કોન્ટ્રાક્ટ બેઇઝથી કામ કરતા સફાઇ કામદારોએ પ્રોવીડન્ડ ફંડ, લધુતમ વેતન, બોનસ સહિતના પ્રશ્ને લડતના મંડાણ કર્યા છે. મોટાભાગના સફાઇ કામદારો વોર્ડ નં.૯, ૪, ૫ના વિસ્તારના છે. સફાઇ કામદારો હડતાળ ઉપર પણ ઉતર્યા હતા.
દરમિયાન કોન્ટ્રાક્ટર પી.જે.રાઠોડ અને સી.ટી.અજમેરાએ તેમની સામે અવાજ ઉઠાવનાર ૮3 જેટલા સફાઇ કામદારોને કોઇપણ જાતની જાણ કર્યા વગર રાતોરાત નોકરીમાંથી કાઢી મુકી તેમની જગ્યાએ નવા કામદારોને રાખી દીધા છે. તો બીજીબાજુ નોકરી ગુમાવનાર સફાઇ કામદારો તેમના સાત વર્ષનુ પી.એફ., ઇએસઆઇ, આટલા વર્ષથી ન ચુકવાતા દીવાળી બોનસની માગણી કોન્ટ્રાક્ટર પાસે કરી છે. કોન્ટ્રાક્ટર પી.જે.રાઠોડ અને સી.ટી.અજમેરાએ એક ફદિયુ પણ ચુકવવાનો નનૈયો ભણી દીધો છે. સફાઇ કામદારો દ્વારા કોન્ટ્રાક્ટર પાસે આટલા વર્ષનો નીકળતો હક્ક હિસ્સો આપવા માટે થયેલી વાતચીતની એક ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ છે.