- મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યની જિલ્લા પંચાયતો હેઠળના રસ્તાના 3180 કામોને મંજૂરી
- ગાંધીનગર તાલુકાના 25, દહેગામ 6, માણસા, 32 અને કલોલના 22 રોડનો સમાવેશ
- રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ બનાવવા
રાજ્યની તમામ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્ય આંતરિક માર્ગોના જરૂરી રિસર્ફેસિંગના 3180 કામો માટે સરકારે 3840 કરોડ રુપિયા મંજૂર કર્યા છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવતા 85 જેટલા રસ્તાઓને 86 કરોડના ખર્ચે નવા બનાવાશે. 7 વર્ષ જૂના આ માર્ગોનું જરૂરિયાત મૂજબ મજબૂતીકરણ, રિસર્ફેસિંગ, સાઈડ સોલ્ડર્સ, રોડ સાયનેજીસ તથા આનુષાંગિક કામગીરી કરવામાં આવશે.
રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તાના કામોને મંજૂરી આપી છે. ગ્રામ્ય માર્ગોની સુધારણા, મજબૂતીકરણ દ્વારા ગ્રામજનોને બારેમાસ સારા રસ્તાની સુવિધા સાથે કનેક્ટિવિટી આપવા માટે આ નિર્ણય લેવાયો છે. રાજ્યની જિલ્લા પંચાયતો હસ્તક આવતા 7453 કિલોમીટરના કુલ નાના-મોટા કુલ 3180 રસ્તાનું કામ કરવામાં આવશે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકના 85 જેટલા રસ્તાની કામગીરી કરવામાં આવશે. 7 વર્ષ જૂના આ રસ્તાઓમાં ગાંધીનગર તાલુકાના 25, દહેગામ 6, માણસા, 32 અને કલોલના 22 રોડના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કામગીરી અંતર્ગત જિલ્લામાં ખાસ મરામત યોજના હેઠળ 36.17 કરોડના ખર્ચે 87 કિલોમીટરના કુલ 33 રસ્તાની કામગીરી કરવમાં આવશે. જ્યારે આયોજન બહારના રસ્તાઓને ફરી સમતલ બનાવવાની અને સુધારણાની કામગીરી હેઠળ 49.88 કરોડના ખર્ચે 107 કિલોમીટરના કુલ 52 જેટલા રસ્તાઓની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા કામગીરીને મંજૂરી મળતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ 86 કરોડના ખર્ચે થનારી 85 રોડની કામગીરી માટે જોબ નંબર ફાળવી દેવાયો છે. જેમાં મંજૂર રકમનો કરકસરભર્યો ઉપયોગ કરીને કામને બદલે અન્ય કોઈ કામ હાથ ન ધરવા માટે તાકીદ કરાઈ છે. જેમાં રસ્તાનું સ્ટ્રક્ચર મંજબૂત હોય તેવા કિસ્સામાં માત્ર રિસર્ફેસિંગની કામગીરી તથા જો સ્ટ્રક્ચરને નકુશાન થયેલું હોય તો જરૂરી સુધારણા બાદ જ રિસર્ફેસિંગની કામગીરી કરવામા આવશે.


