- ગૌ રક્ષકોએ બાતમીને આધારે વોચ રાખી બેને દબોચી પોલીસને સોંપ્યા
- પશુ, વાહન, મોબાઈલ સહિત રૂ. 4.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધાઈ
- ચોટીલા હાઈવે પરથી વધુ એક વાર કતલખાતે ધકેલાતા પશુઓ સાથે
ચોટીલાના ગૌરક્ષકોને વાંકાનેરથી આવતા આઈસર ટ્રકમાં ઘાસચારાની વ્યવસ્થા વગર પશુઓ લઈ જવાતા હોવાની બાતમી મળતા વોચ રાખી હતી. જેમાં આઈશરમાં લઈ જવાતા 9 પશુને બચાવી લેવાયા હતા અને વાહનના ચાલક તથા કલીનર સામે ચોટીલા પોલીસ મથકે પશુ ક્રુરતા અધિનિયમ મુજબ ગુનો નોંધાયો છે.
જિલ્લામાંથી પસાર થતા હાઈવે પર અવારનવાર પશુઓ ભરેલ વાહનો ઝડપાય છે. ત્યારે ચોટીલા હાઈવે પરથી વધુ એક વાર કતલખાતે ધકેલાતા પશુઓ સાથે ર શખ્સો પકડાયા છે. બનાવની મળતી માહીતી મુજબ અખીલ વિશ્વ ગૌ સંવર્ધન પરીષદના પ્રમુખ હરેશભાઈ ચૌહાણને ચોટીલા હાઈવે પરથી કતલખાને લઈ જવાતા પશુઓ સાથે આઈશર નીકળનાર હોવાની બાતમી મળી હતી. આથી વિપુલ ભરતભાઈ સાકરીયા, હરેશ દેવકરણભાઈ સીંધવ સહિતનાઓએ ચોટીલા હાઈવે પર કનૈયા હોટલ પાસે વોચ રાખી હતી. જેમાં વાંકાનેર તરફથી શંકાસ્પદ આઈસર આવતા તેને રોકી તપાસ કરતા તેમાં 9 પશુને ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર દયનીય રીતે ભરેલા જોવા મળ્યા હતા. આથી ગૌરક્ષકોએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસ ટીમે દોડી જઈ તપાસ કરતા આઈસર ચાલક વાંકાનેરનો દીલીપસીંગ દાડમસીંગ સોલંકી અને કલીનર બાબુ દીલીપભાઈ પરમાર હોવાનું સામે આવ્યુ હતુ. આ બન્ને શખ્સોને વાંકાનેરનો અશરફ યાકુબભાઈ પશુઓ ભરેલી આઈશર આપી ગયો હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે રૂ. 1.20 લાખની 8 ભેંસ, રૂ. 10 હજારનો પાડો, રૂ. 3 લાખની આઈસર ટ્રક અને ર મોબાઈલ ફોન સહિત રૂ. 4.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને સામે પશુ ક્રુરતા અધીનીયમ મુજબ ગુનો નોંધ્યો છે. ગૌરક્ષકોએ જણાવ્યુ કે, આ પશુઓ દુધ દેવા અસમર્થ હતા. આથી તેઓને વાંકાનેરથી ભરૂચ થઈને મહારાષ્ટ્રના માલેગાંઉ ખાતેના કતલખાને લઈ જવાતા હતા. હાલ પશુઓને ચોટીલા પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે.


