છેલ્લે ૨૦૧૫માં ૮૫.૧૦ ટકા પરિણામ હતુ : રાજયમાં સૌથી વધુ પરિણામ 97.97 ટકા કુંભારીયા કેન્દ્રનું અને સૌથી ઓછું બોડેલી કેન્દ્રનું 47.98 ટકા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજરોજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનું એકંદર પરીણામ 82.45 ટકા આવ્યું છે. 2021માં કોરોના વખતે આવેલા માસ પ્રમોશન સાથેના 100 ટકા રીઝલ્ટને બાદ કરતા છેલ્લા 9 વર્ષનું આ સૌથી ઉંચુ પરિણામ છે. અગાઉ માર્ચ 2015માં 86.10 ટકા પરિણામ આવ્યું હતું.
બોર્ડ અધ્યક્ષે આજે સવારે પરિણામ જાહેર કરતા તમામ ઉત્તીર્ણ છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આ વખતે ‘બેસ્ટ ઓફ ટુ’ પૂરક પરીક્ષાની તક પણ જાહેરાત કરી હતી. આ વર્ષે પણ પૂરા રાજયમાં 92.80 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો ટોપ પર રહ્યો છે. ગત વર્ષે પણ 83.22 ટકા સાથે મોરબી પ્રથમ નંબર પર હતું. રાજયમાં સૌથી વધુ પરિણામ 97.97 ટકા કુંભારીયા કેન્દ્રનું અને સૌથી ઓછું બોડેલી કેન્દ્રનું 47.98 ટકા આવ્યું છે. જિલ્લામાં સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 51.36 ટકા છે.
રાજયમાં સુરત કેન્દ્રનું 85.56 ટકા પરિણામ છે અને એ-1 ગ્રેડમાં 328 વિદ્યાર્થી આવ્યા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં એ-1 ગ્રેડના છાત્રોની સંખ્યામાં મોટો વધારો થયો છે. માર્ચ 2023માં આવેલા 65.58 ટકા પરિણામમાં એ-1 ગ્રેડમાં માત્ર 61 વિદ્યાર્થીઓ હતા તો આ વર્ષે સીધા ચાર આંકડામાં એટલે કે 1034 વિદ્યાર્થીઓ આ ટોપ ગ્રેડમાં સ્થાન પામ્યા છે. એ-2 ગ્રેડમાં ગત વર્ષે 1523 સામે આ વર્ષે 8983 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. એટલે કે વિદ્યાર્થીઓના ગ્રેડમાં પણ ઉંચા પરિણામ સાથે મોટો સુધારો નોંધાયો છે.
આ વખતે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની પરિણામની ટકાવારી અંગ્રેજીથી આગળ એટલે કે 82.94 ટકા રહી છે. તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 81.92 ટકા છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 90.11 ટકા અને બી ગ્રુપના વિદ્યાર્થીઓનું 78.34 ટકા છે. એ-બી ગ્રુપનું પરિણામ 68.42 ટકા છે. રાજયમાં 100 ટકા પરિણામવાળી શાળા 27માંથી વધીને 127 થઇ છે તો 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76માંથી ઘટી માત્ર 27 રહી છે. શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બંછાનિધિ પાનીએ પરિણામ જાહેર કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની કારકીર્દી ઘડતરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર વર્ષ તા.11થી તા. 22 દરમિયાન લેવયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 147 કેન્દ્રો ઉપર 1,31,849 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,30,650 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,414 નોંધાયેલ હતા. તે પૈકી 1,11,132 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 91,625 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજયનું ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 82.45 ટકા આવેલ છે.
સાયન્સના પરિણામની અત-થી-ઇતિ
- કુલ ૧૪૭ કેન્દ્ર
- ઉપસ્થિત નિયમિત ઉમેદવારની સંખ્યા ૧૧૧૧3૨
- ઉ.મા.શાળાના પ્રમાણપત્રોને પાત્ર નિયમિત ઉમેદવારો ૯૧૬૨૫
- નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી ૮૨.૪૫
- ઉપસ્થિત પુનરાવર્તિત ઉમેદવારો ૧૯૫૧૮
- ઉ.મા. શાળાના પ્રમાણપત્રોને પાત્ર પુનરાવર્તિત ઉમેદવારો ૬૪3૧
- પુનરાવર્તિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 3૨.૯૫
- નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૮૨.૫3
- નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૨.3૫
- ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર બોડેલી(૪૭.૯૮ ટકા)
- વધુ પરિણામ ધરાવનુ કેન્દ્ર મોરબી(૯૨.૮૦ ટકા)
- ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો(છોટા ઉદેપુર ૫૧.3૬)
- એ-૧ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૧૦3૪
- એ-૨ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૮૯૮3
- અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૮૧.૯૨ ટકા
- ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૮૨.૯૪ ટકા


