- કર્તવ્ય પથ પર કુલ 2774 NCC કેડેટ્સ લેશે ભાગ
- 907 છોકરીઓ ગણતંત્ર દિવસ શિબિરમાં ભાગ લેશે
- ગત વર્ષે છોકરીઓની સંખ્યા હતી 710
26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી થનાર છે. ત્યારે આ વખતે દિલ્હીમાં યોજાનારી પરેડમાં નારી શક્તિનો દમ દેખાશે. આ અંગે NCCના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહે બુધવારે માહિતી આપતા જણાવ્યું હતું કે ગણતંત્ર દિવસ શિબિરમાં આ વખતે કુલ 2,274 કેડેટ્સ ભાગ લેશે જેમાંથી 907 છોકરીઓ છે.
દર વર્ષે વધી રહી છે છોકરીઓની ભાગીદારી
દિલ્હી છાવણી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડાયરેક્ટર જનરલે કહ્યું કે NCCમાં છોકરીઓની ભાગીદારી દર વર્ષે સતત વધી રહી છે. જેમાં આ વર્ષે છોકરીઓની ભાગીદારી વધુ હશે. સાથે જ જણાવ્યું કે શિબિરમાં ભાગ લેનારા કેડેટ્સમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના 122 તેમજ ઉત્તર-પૂર્વના 177 કેડેટ્સનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વની 45 ગર્લ કેડેટ્સનું બેન્ડ પ્રથમ વખત નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના ગણતંત્ર દિવસ શિબિરમાં ભાગ લઈ રહ્યું છે. NCC શિબિર સમગ્ર ભારતની ઝલક હશે, જેનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે અને પરેડ યોજીને પીએમ દ્વારા સમાપન કરવામાં આવશે.
બે મહિલા ટુકડીઓ કૂચ કરશે
આ વર્ષે સંરક્ષણ દળોની બે મહિલા ટુકડી પ્રજાસત્તાક દિવસની પરેડમાં કૂચ કરવાની છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક ટુકડીમાં 144 મહિલા સૈનિકો હશે, જેમાંથી 60 આર્મી અને બાકીના ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળના હશે. આ ટુકડીમાં નૌકાદળ અને વાયુસેનાની મહિલા અગ્નવીર સૈનિકો પણ સામેલ હશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સરકાર દ્વારા બહાર પડાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, 2023માં લગભગ એક મહિના સુધી ચાલેલી શિબિરમાં તમામ 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 710 છોકરીઓ સહિત કુલ 2,155 કેડેટ્સે ભાગ લીધો હતો.


