ફ્લાઇંગ સ્કવોર્ડમાં 33૮ સુરક્ષાકર્મીઓ દ્વારા થઇ રહ્યુ છે વાહનોમાં સઘન ચેકીંગ
લોકસભાની ચૂંટણીના પ્રથમ બે રાઉન્ડ પૂરા થઇ ચુક્યા છે. હવે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં છે. જેને લઇને ગુજરાતની તમામ બોર્ડર સીલ કરી દેવામા આવશે. લોખંડી બંદોબસ્ત વચ્ચે પ્રત્યેક વાહનો ચેકીંગ થઇ રહ્યા છે ત્યાંરે સૌરાષ્ટ્રમાં પણ રોકડ હેરફેર, દારૂની ખેપ, હથિયારોની હેરાફેરી સહિત શંકાસ્પદ પ્રવૃતિઓને રોકવા માટે રાજકોટ ઉપરાંત, મોરબી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના જિલ્લામાં ૯૧ ચેકપોસ્ટ ઉભી કરવામા આવી હોવાનું રેન્જ આઇજી અશોક કુમાર યાદવે જણાવ્યુ હતુ.
લોકસભાની ચૂંટણીઓ પારદર્શી, ભયમુકત અને લોભ લાલચ વિના યોજાય તે માટેના ચૂંટણી પંચના પ્રયાસો ખૂબ સફળ બને તે માટે રાજકોટ રેન્જ હેઠળના વિવિધ જિલ્લાઓમાં ૯૧ જેટલી ચેક પોસ્ટ ઉભી કરી તેમાં રાઉન્ડ ધ કલોક ફલાઇંગ સ્કવોડ સ્ટેસ્ટિક ટીમ સહિતનો પોલીસ કાફલો મૂકી વાહન ચેકીંગ થઇ રહ્યા છે. પાંચ જિલ્લાઓમાં ચેકપોસ્ટ પર લોખંડી ચેકીંગ ગોઠવાયુ છે. ગેરકાયદેસર રીતે રોકડ તથા સોના-ચાંદી ચીજ વસ્તુઓના હેરફેર, ગેરકાયદેસર હથીયારોની હેરફેર તેમજ માદક પદાર્થોની હેરફેર થતી અટકાવવા માટે જીલ્લાઓના અગત્યના પોઇન્ટો પસંદ કરી તે જગ્યાઓ ઉપર રાઉન્ડ ધી કલોક શંકાસ્પદ જણાતા વાહનોનું ચેકીંગ કરવામા આવી રહ્યુ છે.
આ અંગે વધુ વિગત આપતા રેન્જ આઇ.જી. અશોક કુમારે જણાવ્યુ હતુ કે, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કુલ -૧૫, જામનગર જીલ્લામાં કુલ-૨૪, મોરબી જીલ્લામાં કુલ -૧૭, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ-૨૨ જેમાં નીચેની વિગતે પોલીસ કર્મચારીઓની ફાળવણી તેમજ (એફ.એસ.ટી) ફલાઇંગ સ્કવોડ ટીમ તથા (એસ.એસ.ટી.) સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે.
રાજકોટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કાર્યરત કુલ ૯૧ ચેક પોસ્ટ ઉપર ૩૩૮ પોલીસ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક ચુંટણી લક્ષી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહેલ છે.
રાજકોટ રેન્જના હસ્તકના જીલ્લાઓમાં ફાળવવામાં આવેલ કુલ ૭૯ (એફ.એસ.ટી) ફલાઇંગ સ્કવોડ ટીમના ૨૨૦ કર્મચારીઓ દ્વારા ટોલ ફ્રી નંબર ઉપર તેમજ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મળતી આચાર સંહિતા ભંગની ફરિયાદોના નિકાલની કામગીરી કરવામાં આવી રહેલ છે.
રાજકોટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં ફાળવવામાં આવેલ કુલ ૮૯ (એસ.એસ.ટી.) સ્ટેટીક સર્વેલન્સ ટીમોના ૨૨૬ કર્મચારીઓ દ્વારા મોટી રોકડ રકમની હેર-ફેર તથા સોના-ચાંદીની વસ્તુઓની હેર-ફેર રોકવા સારૂ તેઓને મળતી માહિતી મુજબ રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહેલ છે.
ક્યા જિલ્લામાં કેટલી ચેકપોસ્ટ
જિલ્લો – ચેકપોસ્ટ
દેવભૂમિ દ્વારકા -૩૦
જામનગર – ૯૬
મોરબી – ૬૮
રાજકોટ ગ્રામ્ય જીલ્લો – ૮૮
સુરેન્દ્રનગર – ૫૬


