મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ 12 જુલાઈ શનિવારે અદાણી ગ્રુપના જીત અદાણી સાથે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને એરપોર્ટ બાંધકામની સમીક્ષા કરી હતી, બાદમાં સીએમ ફડણવીસે કહ્યું કે એરપોર્ટનું લગભગ 94 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 30 સપ્ટેમ્બરથી કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાનું લક્ષ્ય છે. આ દેશનું સૌથી આધુનિક અને સંપૂર્ણ રીતે સજ્જ એરપોર્ટ હશે. અહીં વિશ્વની સૌથી ઝડપી સામાન ડિલિવરી સિસ્ટમ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
એરપોર્ટનું 94 ટકા કામકાજ થયું પૂર્ણ
સીએમ ફડણવીસે કહ્યું કે અમે એરપોર્ટના રનવેથી ટર્મિનલ બિલ્ડિંગ સુધીના કામની પ્રગતિ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન જોયું અને સંબંધિત જાણકારી મેળવી છે. અહીં લગભગ 94 ટકા ગ્રાઉન્ડ વર્ક પૂરૂ થઈ ગયું છે. આ દેશનું સૌથી આધુનિક એરપોર્ટ હશે. તેમણે કહ્યું કે રનવે સંપૂર્ણપણે તૈયાર છે. ટર્મિનલ બિલ્ડિંગનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને આંતરિક કામ ચાલી રહ્યું છે. બાહ્ય ભાગ અને છતનું કામ ઝડપથી પૂર્ણ કરવાની જરૂર છે. અન્ય બાકીનું કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
સૌથી ઝડપી સામાન સંભાળવાની વ્યવસ્થા
મુખ્યપ્રધાને કહ્યું કે અમે એરપોર્ટ પર મુસાફરોની સામાન સંભાળવાની વ્યવસ્થા જોઈ, જે ખુબ જ શ્રેષ્ઠ છે. આમાં, સામાનનો બારકોડ 360 ડિગ્રી સ્કેનિંગ સિસ્ટમ દ્વારા વાંચી શકાય છે. આનાથી ખાતરી થશે કે સામાન યોગ્ય જગ્યાએ પહોંચે છે કે નહીં. અમે અધિકારીઓને કહ્યું છે કે એરપોર્ટ પર સામાન પ્રાપ્ત કરવાની વ્યવસ્થા ફક્ત દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી હોવી જોઈએ. આ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યપ્રધાને કહ્યું કે હાલમાં અહીં દરરોજ 13થી 14 હજાર લોકો કામ કરી રહ્યા છે. અમે 30 સપ્ટેમ્બર સુધીમાં તેમની સંખ્યા દોઢ ઘણી કરવા ટકોર કરી છે.
કેટલા મુસાફરોને સંભાળવાની ક્ષમતા?
તમને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ફડણવીસે કહ્યું કે જ્યારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બે રનવે સાથે તૈયાર થશે, ત્યારે તેની ક્ષમતા વાર્ષિક 9 કરોડ મુસાફરોને સંભાળવાની હશે. તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરતા અનેક ગણું મોટું હશે. તે દેશનું સૌથી આધુનિક એરપોર્ટ હશે. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરે, તેથી અમે 30 સપ્ટેમ્બરનો લક્ષ્યાંક રાખ્યો છે અને તેમની પાસેથી સમય પણ લેવો પડશે.