- ધો.10-12ની પરીક્ષા કુમકુમ તિલક, ગુલાબનું ફુલ, મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને આવકાર્ય
- કેટલાક પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પૂછાયા પરંતુ જનરલ ઓપ્શને મૂશ્કેલી દુર કરી
- ત્રણેય પેપર સરળ પૂછાતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી ધોરણ.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે રાજ્યના મોટાભાગના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, ગુલાબનું ફુલ તેમજ મોં મિઠુ કરાવી આવકારવામાં આવ્યાં હતા. ધોરણ.10 તેમજ ધોરણ.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ દિવસે 98 ટકા જેટલી હાજરી જોવા મળી હતી. પ્રથમ દિવસે ત્રણેય પેપર સરળ પૂછાતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ફિઝીક્સ અને નામાના મૂળતત્ત્વોમાં કેટલાક પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પૂછવામાં આવ્યાં હતા પરંતુ જનરલ ઓપ્શનના લીધે વિદ્યાર્થીઓને આ મુશ્કેલી નડી નહોતી.
સવારના સેશનમાં ધોરણ.10માં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિતની ભાષાના વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં નોંધાયેલા કુલ 7,53,552 વિદ્યાર્થીઓમાંથી 7,36,009 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા. ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં સવારના સેશનમાં સહકાર પંચાયતના પેપરમાં કુલ 813 વિદ્યાર્થીમાંથી 806 ઉપસ્થિત રહ્યાં હતા. એ પછી બપોરના સેશનમાં ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં નામાંના મૂળતત્વો વિષયની પરીક્ષામાં 2,08,265 વિદ્યાર્થીઓમાંથી 2,06,598 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા. ધોરણ.12 સાયન્સમાં સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનના પેપરમાં કુલ 1,32,155 વિદ્યાર્થીઓમાંથી 1,30,338 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. આમ પ્રથમ દિવસે કુલ ચાર વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ 10,94,785 વિદ્યાર્થીઓ પૈકી 10,73,751 ઉપસ્થિત રહ્યાં હતા.
જામનગરમાં પરીક્ષા સમયે વિદ્યાર્થી બેભાન થઈ ગયો..જામનગરની એક શાળામાં પરીક્ષા સમયે વિદ્યાર્થીને ચક્કર આવતા બેભાન થઈ ગયો હતો. વિદ્યાર્થીને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે બાદમાં તેની તબિયત સારી હોવાનું જાણવા મળે છે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓને શહેર ડ્ઢઈર્ં કચેરી કીટ આપશે
અમદાવાદ શહેર વિસ્તારમાં પરીક્ષા આપતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ડીઈઓ કચેરી દ્વારા કિટ આપવામાં આવશે. પ્રથમ દિવસે એક સ્કૂલના 300 જેટલા વિદ્યાર્થીઓને કીટ આપી ડીઈઓ રોહિત ચૌધરી દ્વારા આવકારવામાં આવ્યાં હતા. જોકે હવે જુદી જુદી શાળામાં પરીક્ષા આપતાં તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને કીટ અપાશે. આ કીટમાં પેડ, વોટર બોટલ, સ્કેલ સહિતની પારદર્શક સામગ્રી અપાશે.
કચ્છના મુન્દ્રા ખાતે વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો..બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપતાં તેની સામે પોલીસ ફરિયાદ થશે. ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વ વિષયની પરીક્ષામાં કચ્છના મુન્દ્રા ખાતે એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો હતો. આ સિવાય ભાવનગરમાં પણ એક વિદ્યાર્થી કોપી કેસ કરતાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.


