મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ ગત સપ્તાહના અંતથી આક્રમક બનતાં અને આ યુદ્વ મિડલ-ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાવાના વધતાં જોખમ વચ્ચે વૈશ્વિક મંદીનો ફફડાટ વધતાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર પ્રોત્સાહક નીવડી રહી હોઈ વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં સુધારો આગળ વધ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગત સપ્તાહમાં બીજા ત્રિમાસિકના રિઝલ્ટમાં ચોખ્ખા નફામાં ૨૯.૭ ટકાની પ્રોત્સાહક વૃદ્વિ જાહેર કરતાં અને અન્ય કંપનીઓના પણ એકંદર સારા પરિણામોએ લોકલ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજીને જાળવી હતી. આ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, સિમેન્ટ, આઈટી ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૩૨૯.૮૫ પોઈન્ટ વધીને ૬૪૧૧૨.૬૫ અને નિફટી સ્પોટ ૯૩.૬૫ પોઈન્ટ વધીને ૧૯૧૪૦.૯૦ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ એક ડોલર ઘટીને ૮૯.૪૭ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧.૧૧ ડોલર ઘટીને ૮૪.૪૨ ડોલર નજીક રહ્યા હતા.
રિલાયન્સ પ્રોત્સાહક પરિણામે રૂ.૪૬ વધ્યો
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા સાથે ફંડોની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સારા પરિણામે મોટી ખરીદી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૯.૭ ટકા વધીને રૂ.૧૯,૮૭૮ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૂ.૪૬.૧૦ વધીને રૂ.૨૩૧૧.૩૫ રહ્યો હતો. બીપીસીએલ રૂ.૧૨.૩૦ વધીને રૂ.૩૪૬.૮૦, ઓએનજીસી રૂ.૪.૦૫ વધીને રૂ.૧૮૮.૮૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૩૩ વધીને રૂ.૮૮.૨૬, ગુજરાત ગેસ રૂ.૩.૯૦ વધીને રૂ.૪૧૦.૮૦, એચપીસીએલ રૂ.૨.૩૦ વધીને રૂ.૨૪૫.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૯.૮૭ પોઈન્ટ વધીને ૧૮,૨૬૫.૫૫ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં શોર્ટ કવરિંગ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું આજે શોર્ટ કવરિંગ વધતું જોવાયું હતું. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૯૦ વધીને રૂ.૯૨૪.૫૦, એચડીએફસી બેંક રૂ.૧૫.૩૫ વધીને રૂ.૧૪૮૪.૯૦, ફેડરલ બેંક રૂ.૧.૪૦ વધીને રૂ.૧૪૦.૯૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૪.૩૫ વધીને રૂ.૧૪૫૩.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૪.૯૦ વધીને રૂ.૧૭૧૭.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૦૫ વધીને રૂ.૫૬૫.૦૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૫૮.૯૯ પોઈન્ટ વધીને ૪૮૬૦૪.૭૩ બંધ રહ્યો હતો.
ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ
ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી વધતી જોવાઈ હતી. પીટીસી ઈન્ડિયા ફાઈનાન્શિયલ રૂ.૨.૦૪ વધીને રૂ.૨૯.૨૫, પીબી ફિનટેક રૂ.૩૪.૭૫ વધીને રૂ.૭૦૩.૬૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૪૬.૬૦ વધીને રૂ.૧૦૧૬.૧૦, સીએસબી બેંક રૂ.૧૦.૮૫ વધીને રૂ.૩૩૦.૮૫, વન ૯૭ પેટીએમ રૂ.૨૮.૭૦ વધીને રૂ.૯૨૪.૫૫, આનંદ રાઠી રૂ.૪૮.૨૫ વધીને રૂ.૧૮૯૭.૯૫, મેક્સ ફાઈનાન્શિયલ રૂ.૨૧.૧૦ વધીને રૂ.૯૨૬.૫૫, એમસીએક્સ ઈન્ડિયા રૂ.૩૫.૯૦ વધીને રૂ.૨૨૭૯.૪૫ રહ્યા હતા.
સારા પરિણામોએ આઈટી શેરોમાં આકર્ષણ
વૈશ્વિક મોરચે આઈટી કંપનીઓના સારા પરિણામોના આકર્ષણે આઈટી, ટેકનોલોજી શેરોમાં ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૩૫.૯૫ વધીને રૂ.૬૭૯.૩૫, ડાટામેટિક્સ ગ્લોબલ રૂ.૩૪.૩૫ વધીને રૂ.૬૫૨.૫૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૫૫.૨૫ વધીને રૂ.૧૧૮૪.૪૫, માસ્ટેક રૂ.૯૮.૬૫ વધીને રૂ.૨૨૪૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં નફારૂપી વેચવાલી
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૩૪.૨૧ પોઈન્ટ ઘટીને ૩૬૩૮૩.૭૮ બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૬૨૮.૪૫, મારૂતી સુઝુકી રૂ.૧૬૦.૩૫ ઘટીને રૂ.૧૦,૩૯૨.૫૫, બોશ રૂ.૨૯૭.૩૫ ઘટીને રૂ.૧૯,૪૩૯.૫૦, બજાજ ઓટો રૂ.૫૫.૪૫ ઘટીને રૂ.૫૩૧૮.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૧૪૯૭.૫૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વધતું પ્રોફિટ બુકિંગ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીની ખરીદી વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત ઘણા સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૭૫ અને ઘટનારની સંખ્યા ૧૮૬૪ રહી હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૧.૦૭ લાખ કરોડ વધી
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી આગળ વધ્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૦૭ લાખ કરોડ વધીને રૂ.૩૧૧.૫૨ લાખ કરોડ પહોંચ્યું હતું.
DIIની શેરોમાં રૂ.૧૩૨૮ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં વધુ રૂ.૧૭૬૧.૮૬કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૬૬૫૩.૭૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૪૧૫.૫૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૩૨૮.૪૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૫૨૩.૬૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૧૯૫.૧૩ કરોડની વેચવાલી થઈ હતી.