- ઈંગ્લેન્ડના બોલર ડેવિડ વિલીએ તમામ ફોર્મેટમાં નિવૃત્તિ જાહેર કરી
- વર્લ્ડકપ 2023 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લેશે નહીં
- ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 145 વિકેટ લીધી
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ તરફથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ફાસ્ટ બોલર ડેવિડ વિલીએ વર્લ્ડકપ 2023 સીઝનની મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લિશ બોલરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. પોસ્ટ કરતી વખતે વિલીએ લખ્યું, ‘હું ક્યારેય ઇચ્છતો ન હતો કે આ દિવસ મારા જીવનમાં આવે. મેં નાનપણથી જ ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવાનું સપનું જોયું હતું. ઘણા વિચાર અને અફસોસ પછી મેં નિર્ણય કર્યો છે કે હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો. હું ચાલી રહેલા વર્લ્ડકપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લઈશ નહીં.
ડેવિડ વિલીએ તમામ ફોર્મેટમાં નિવૃત્તિ જાહેર કરી
વિલીએ વધુમાં લખ્યું કે, મને ગર્વ છે કે હું ઈંગ્લેન્ડની જર્સી પહેરી હતી અને મારી છાતી પરના બેજને બધું સમર્પિત કર્યું છે. હું વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે એક મહાન ટીમનો ભાગ બનવા માટે ભાગ્યશાળી માનું છું. મેં કેટલાક સારા મિત્રો બનાવ્યા છે. આ દરમિયાન, હું કેટલાક મુશ્કેલ સમયમાંથી પણ પસાર થયો છું. મારા પરિવારનો આભાર માનવા માંગુ છું. તેમણે મને આ પ્રવાસમાં તેમનો સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
ડેવિડ વિલીની ક્રિકેટ કારકિર્દી
ડેવિડ વિલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 113 મેચ રમી છે. આ દરમિયાન તેને 112 ઇનિંગ્સમાં 145 સફળતા મળી છે. વિલીએ 70 ODIની 69 ઇનિંગ્સમાં 30.34ની એવરેજથી 94 વિકેટ અને 43 T20 મેચોની 43 ઇનિંગ્સમાં 23.14ની એવરેજથી 51 વિકેટ ઝડપી છે. બેટિંગ કરતી વખતે, તે ODIની 43 ઇનિંગ્સમાં 26.12ની એવરેજથી 627 રન અને T20ની 26 ઇનિંગ્સમાં 15.07ની એવરેજથી 226 રન બનાવવામાં સફળ રહ્યો છે.