– ચાલુ નાણાં વર્ષના અંતે વર્કફોર્સમાં એકંદરે ઘટાડો જોવાશે
Updated: Nov 3rd, 2023
મુંબઈ : પશ્ચિમી દેશો દ્વારા ખર્ચમાં કાપ તથા ભૌગોલિકરાજકીય અશાંતિ વચ્ચે દેશની દસમાંથી નવ આઈટી કંપનીઓ દ્વારા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં નવી ભરતી કરતા છટણી વધુ થતાં કર્મચારીબળની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કોઈ એક વર્ષમાં આઈટી ક્ષેત્રની કંપનીઓમાં કર્મચારીઓની ભરતીમાં ઘટાડો થયો હોય તેવું છેલ્લા ૨૫ વર્ષમાં પહેલી વખત જોવા મળ્યું છે. દેશના આર્થિક વિકાસમાં આઈટી ક્ષેત્રની મહત્વની ભૂમિકા રહેલી છે.
વર્તમાન નાણાં વર્ષમાં આઈટી કંપનીઓમાં કર્મચારીઓની જે સંખ્યા હતી તેમાં વર્ષના અંતે ઘટાડો જોવા મળવાની શકયતા રહેલી છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રારંભમાં આઈટી કંપનીઓમાં કર્મચારીઓની કુલ સંખ્યા ૨૧.૧૦ લાખ હતી તે સપ્ટેમ્બરના અંતે ઘટી ૨૦.૬૦ લાખ પર આવી ગઈ હતી.
એલએન્ડટી ટેકનોલોજીને બાદ કરતા મોટાભાગની આઈટી કંપનીઓ જેમ કે ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલમાં કર્મચારીની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે.
અમે નવી ભરતી કરતા નથી એવું કહેવું યોગ્ય નહીં ગણાય, કારણ કે જે લોકો નોકરી છોડીને જાય છે તેટલી માત્રામાં અમે નવી ભરતી કરતા નથી માટે કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે, એમ એક આઈટી કંપનીના એચઆર વિભાગના વડાએ જણાવ્યું હતું.
આઈટી કંપનીઓ માટે આ એક કસોટીનો સમય છે, એમ સ્ટાફિંગ પેઢીના સુત્રોએ જણાવ્યું હતું. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરતી વેળા મોટાભાગની આઈટી કંપનીઓએ આગામી ત્રિમાસિક ગાળા માટે રેવેન્યુ ગાયડન્સ નબળા મૂકયા છે.
વર્તમાન વર્ષમાં આઈટી કંપનીઓ દ્વારા કેમ્પસ હાઈરિંગમાં પણ ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. આઈટી કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓના ઉપયોગીતાના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કંપનીઓ પોતાના માર્જિન્સમાં સુધારો કરવા પર ભાર આપી રહી છે.