મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે દિવસ દરમિયાન સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યા પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ફરી ઉંચકાયા હતા. અમેરિકામાં જોબગ્રોથના આંકડા નબળા આવતાં વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ ઔંશના ૧૯૮૯થી ૧૯૯૦ વાળા વધી ૨૦૦૪થી ૨૦૦૫ થઈ ૧૯૯૯થી ૨૦૦૦ ડોલર રહ્યા હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદી વધી ઔંશના ૨૩.૨૫ થઈ ૨૩.૧૯થી ૨૩.૨૦ ડોલર રહી હતી. ઘરઆંગણે મોડી સાંજે આના પગલે સોના-ચાંદીના વાયદાઓ ઉછળતા જોવા મળ્યા હતા. સોનાના વાયદાના ભાવ મોડી સાંજે ૧૦ ગ્રામના રૂ.૩૦૦થી ૪૦૦ વધ્યા હતા જ્યારે ચાંદી વાયદાના ભાવ કિલોદીટ મોડી સાંજે રૂ.૭૦૦થી ૮૦૦ ઉંચા બોલાી રહ્યા હતા.
અમેરિકામાં ઓકટોબરનો જોબગ્રોત નોન-ફાર્મ પેટ્રોલ ડેટા ૧ લાખ ૮૦ હજાર આવવાની અપેક્ષા હતી તેના બદલે હકીકતમાં ૧ લાખ ૫૦ હજાર આવ્યાના નિર્દેશો હતા.
ત્યાં ઓગસ્ટ તથા સપ્ટેમ્બરના જોબગ્રોથના આંકડા જે આ પૂર્વે જાહેર થયા હતા તે આંકડાઓ પણ સરકારે ડાઉનવર્ડ રિવાઈઝ કરી નીચા જાહેર કર્યાના સમાચાર હતા. ત્યાં બેરોજગારીનો દર વધી ૩.૯૦ ટકા થયો હતો. આવા માહોલમાં ત્યાં હવે પછી વ્યાજના દર વધવાના બદલે ઘટશે તથા ડોલર નીચો ઉતરશે એવી ગણતરી વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં મોડી સાંજે ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.
અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૬૨૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૭૦૦ રહ્યા પછી મોડી સાંજે ભાવની ધારણા ઉંચકાઈ હતી. અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૭૩૦૦૦ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવની ધારણા ઉંચકાઈ હતી. અમદાવાદ ઝવેરી બજાર શનિવારે (આજે) ઉંચી ખુલવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ક્રૂડતેલના ભાવ પણ વિશ્વ બજારમાં ઝડપી વધી આવ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૫.૩૮ વાળા વધી ૮૭.૮૦ થઈ ૮૭.૬૪ ડોલર રહ્યા હતા.
જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૧.૧૦ વાળા વધી ૮૩.૬૦ થઈ ૮૩.૪૮ ડોલર રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૮૩૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૦૭૫ તથા ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૭૭૧ સત્તાવાર બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવ ઉંચા રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા.