- સોમવારે પરિસ્થિતિ જોયા બાદ જ મેચ રમાડવા અંગેનો નિર્ણય લેવાશે : આઇસીસી
- સોમવારે મેચના અધિકારી વાયુ ગુણવત્તાની તપાસ કરશે.
- બંને ટીમો આ પહેલા પણ આવી સ્થિતિનો સામનો કરી ચૂકી છે
ગ્દઝ્રઇ ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણને કારણે શ્રીલકા અને બાંગ્લાદેશ વચ્ચે સોમવારે રમાનારી વર્લ્ડ કપની મેચ પર અનિશ્ચિતતાના વાદળ છવાયા છે અને હવે આ જોવું રસપ્રદ રહેશે કે ખેલાડીઓના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવે છે કે પછી મેચને. ઝેરી ધુમ્મસે હાલ દિલ્હીને બાનમાં લીધું છે જેના કારણે બંને ટીમોએ ઓછામાં ઓછું એક વાર પોતાની પ્રેક્ટિસ સેશન રદ કરવું પડયું હતું કારણ કે હવાને એક્યૂઆઇ ગંભીર કેટેગરીમાં હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સ્પષ્ટ કર્યુ છે કે મેચ વિશેનો નિર્ણય મેચના દિવસે લેવાશે. જ્યારે સોમવારે મેચના અધિકારી વાયુ ગુણવત્તાની તપાસ કરશે. આઇસીસીની રમતની સ્થિતિઓ વિશે સંબંધિત કલમ 2.8 અનુસાર જો કોઇપણ સમયે અમ્પાયર્સ આ વાતે સહમત થાય કે મેદાન, હવામાન અથવા પ્રકાશ કે કોઇ અન્ય સ્થિતિ ખતરનાક કે અયોગ્ય છે તો તેઓ તરત જ રમતને સસ્પેન્ડ કરી દે અથવા રમત શરૂ કરવાની મંજૂરી નહીં આપે.
બંને ટીમો આ પહેલા પણ આવી સ્થિતિનો સામનો કરી ચૂકી છે. 2017માં શ્રીલંકન ખેલાડીઓ માસ્ક પહેરીને ટેસ્ટમાં ઊતર્યા હતા. જ્યારે બાંગ્લાદેશી ક્રિકેટર્સે 2019માં આમ કર્યુ હતું. શ્રીલંકન ખેલાડીઓને ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી જ્યારે કેટલાક ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં ઉલ્ટી પણ થઇ હતી. બાંગ્લાદેશ પહેલા જ સેમિફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગયું છે. જ્યારે શ્રીલંકા માટે હજુ ધૂંધળી અપેક્ષા યથાવત છે. શ્રીલંકન ટીમ સાતમા સ્થાને છે અને તે આ સ્થાને ટકી રહીને 2025માં પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાનો તેમની છેલ્લી મેચમાં ભારત સામે 302 રને પરાજય થયો હતો. ટીમ ખેલાડીઓની ઇજાની સમસ્યાથી પરેશાન છે. જેનાથી તેની નબળાઇઓ સામે આવી છે, જેનો બાંગ્લાદેશ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. બોલિંગમાં પણ શ્રીલંકાનો દેખાવ ચડઊતરવાળો રહ્યો છે. ઝડપી બોલર્સનું પ્રદર્શન સારું રહ્યું છે જ્યારે સ્પિન વિભાગે નિરાશા જ આપી છે. બાંગ્લાદેશે સમગ્ર ટૂર્નામેન્ટમાં ફ્લોપ શો કર્યો છે.