- અસાધારણ ગ્રોથ બાદ કો-વર્કિંગ સ્પેસ પ્રોવાઈડર મહાકાય કંપનીનું નાટયાત્મક ધોરણે પતન
- એક સમયે WeWork 47 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે સૌથી મોંઘું સ્ટાર્ટઅપ બન્યું હતું
- યુએસ સહિતના હાઈ-વેલ્યૂ માર્કેટ્સમાં ઓફ્સિ સ્પેસની માગ ઘટતાં કંપની નાદારીના આરે
યુએસનું સૌથી ઊંચું મૂલ્ય ધરાવતું સ્ટાર્ટઅપ્સ બન્યાં પછી સોફ્ટબેંક-સમર્થિત કો-વર્કિંગ સ્પેસ પ્રોવાઈડર વીવર્ક(WeWork)એ અમેરિકામાં નાદારી માટે અરજી ફાઈલ કરી છે. મહામારી પછી હાઈ-વેલ્યૂડ ગણાતાં વિકસિત બજારોમાં ઓફ્સિ સ્પેસના ઉપયોગમાં ઘટાડાને કારણે ફ્લેક્સિબલ કો-વર્કિંગ અને ઓફ્સિ સ્પેસ પ્રોવાઈડરના પતનની શરૂઆત થઈ હતી. જો કે કંપનીએ પુનઃગઠનના મોરચે વધારે સ્પષ્ટતા કરી નથી. તેણે પોતાની નાદારી ફાઇલમાં જણાવ્યું છે કે તે એવા કેટલાક ડેસ્ટિનેશન્સ માટેની લિઝને રદ્દ કરવા માંગે છે, જે તેના માટે હવે અગત્યના રહ્યા નથી. કંપનીએ જણાવ્યું હતું કે તેણે તમામ પ્રભાવિત સભ્યોને આ અંગેની અગ્રીમ નોટિસ મોકલી આપી છે. નોંધનીય છે કે, એક સમયે WeWorkનું વેલ્યૂએશન 50 અબજ ડોલરની આસપાસ જોવા મળતું હતું. કંપનીનું બિઝનેસ મોડેલ મોટી પ્રોપર્ટીઝને લાંબા સમયગાળા માટે લીઝ પર લઈ તેને નાની કંપનીઓને ઓફ્સિ-સ્પેસ તરીકે ટૂંકાગાળા માટે લીઝ પર આપવાનું હતું. જોકે, મહામારી પછી રિમોટ વર્ક તથા હાઈબ્રીડ મોડેલ્સમાં વૃદ્ધિને કારણે WeWorkના ઈનોવેટિવ ઓફ્સિ-સ્પેસ શેરિંગ પ્લાનને મોટો ફ્ટકો પડયો હતો. હવે WeWorkએ યુએસ બેન્કરપ્સી પ્રોટેક્શન માટે ફાઈલ કરતાં કંપનીમાં રોકાણકાર સોફ્ટબેંક માને છે કે કંપનીએ લીધેલાં મોંઘા લીઝનું રિનેગોસિયેશન તેને બચાવવા માટે ચાવીરૂપ બની રહેશે.
નાદારીની પ્રક્રિયાની યુએસ અને કેનેડામાં જ અસર : વીવર્ક
વીવર્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપનીની નાદારીની પ્રક્રિયાની યુએસ અને કેનેડા સિવાય વિશ્વભરમાં આવેલી તેની ફ્રેન્ચાઈઝીસ પર કોઈ અસર થવાની શક્યતા નથી. જૂન મહિનામાં કંપની વિશ્વમાં 777 સ્થળોએ ઓફ્સિ સ્પેસ ધરાવતી હતી. જોકે, ઓફ્સિ વર્કસ્પેસ લીઝિંગની ઘટતી માગને કારણે કંપનીએ નોંધપાત્ર સંઘર્ષ કરવાનો બન્યો હતો. કેલેન્ડર 2023ના બીજા ક્વાર્ટરમાં વીવર્કની આવકનો 74 ટકા જેટલો મોટો હિસ્સો તેના સ્પેસ(જગ્યા) માટેના ખર્ચમાં વપરાયો હતો. કંપની યુએસ બેન્કરપ્સી નિયમોની જોગવાઈઓનો લાભ લઈ કેટલીક મોટી લીઝના ભારણને દૂર કરવા ઈચ્છી રહી છે એમ લો કંપની જણાવે છે.
કંપનીને વૃદ્ધિની ઝડપ જ મોંઘી પડી
એડમ ન્યૂમેને શરૂ કરેલી કંપનીની વૃદ્ધિ ખૂબ ઝડપી હતી. જેણે તેને ટૂંકાગાળામાં સૌથી મોંઘું યુએસ સ્ટાર્ટઅપ બનાવ્યું હતું. જેને કારણે તે વોલ સ્ટ્રીટના કેટલાંક બ્લૂ-ચિપ ઈન્વેસ્ટર્સ સોફ્ટબેંક એન્ડ બેન્ચમાર્ક, જેપી મોર્ગન ચેઝનું રોકાણ આકર્ષી શકી હતી. જોકે, ઝડપી વિસ્તરણ અને ન્યૂમેનના આક્રમક અભિગમને કારણે કંપનીએ પાછળથી ખૂબ સહન કરવાનું બન્યું હતું. જેમાં ન્યૂમેનને કંપનીમાંથી હાંકી કઢાયા હતા.