- ઇંગ્લેન્ડ સાત મેચમાં માત્ર એક વિજય સાથે 10 ટીમોમાં છેલ્લા સ્થાને
- કાગળ ઉપર મજબૂત દેખાતી ઇંગ્લેન્ડની ટીમની બેટિંગ એકદમ ફ્લોપ
- બંને ટીમો સત્તાવાર રીતે સેમિફાઇનલની રેસમાંથી બહાર
વર્લ્ડ કપમાં અત્યંત નિરાશાજનક પ્રદર્શન કરીને ટાઇટલની રેસમાંથી બહાર થઈ ચૂકેલી ભૂતપૂર્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ બુધવારે નેધરલેન્ડ્સ સામે મેદાનમાં ઊતરશે ત્યારે તેનો ટાર્ગેટ વિજય મેળવવાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરવાનો રહેશે. ઇંગ્લેન્ડ સાત મેચમાં માત્ર એક વિજય સાથે 10 ટીમોમાં છેલ્લા સ્થાને છે. નેધરલેન્ડ્સની સ્થિતિ ઇંગ્લેન્ડ કરતાં થોડીક સારી છે. તે બે વિજય સાથે નવમા ક્રમે છે. બંને ટીમો સત્તાવાર રીતે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આઇસીસીએ વર્લ્ડ કપ દરમિયાન જાહેરાત કરી હતી કે યજમાન પાકિસ્તાન ઉપરાંત વર્લ્ડ કપમાં ટોચની સાત ટીમો 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થશે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યે રમાશે. ઇંગ્લેન્ડની કોઈ પણ ટીમ વર્લ્ડ કપમાં આટલી બધી મેચો હારી નથી. સ્થિતિ એવી છે કે નેધરલેન્ડ્સ સામે પણ તેને વિજય માટે ફેવરિટ ગણવામાં આવતી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરવા માટે ઇંગ્લેન્ડે નેધરલેન્ડ્સને હરાવ્યા બાદ પાકિસ્તાનને પણ હરાવવી પડે તેમ છે. કાગળ ઉપર મજબૂત દેખાતી ઇંગ્લેન્ડની ટીમની બેટિંગ એકદમ ફ્લોપ રહી છે. ઓપનર બેરિસ્ટો અને ડેવિડ મલાન સારી શરૂઆત માટે સંઘર્ષ કરી રહ્યા છે. અનુભવી જોઇ રુટ પોતાની ખ્યાતિ મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. સુકાની બટલર તથા લોંગ શોટ્સ રમવાનો નિષ્ણાત લિવિંગસ્ટોન પણ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. બોલર્સનું પ્રદર્શન કંઈક અંશે સારું રહ્યું છે પરંતુ તેમાં વિવિધતા જોવા મળી નથી. ઓરેન્જ આર્મી તરીકે લોકપ્રિય બનેલી નેધરલેન્ડ્સની ટીમે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવીને પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું અને આ ટીમ ઇંગ્લેન્ડ સામે વધુ એક અપસેટ સર્જીને પોતાના સમર્થકોને ઉજવણીની તક આપશે. ટોચના ક્રમની બેટિંગ નેધરલેન્ડ્સ માટે સૌથી મોટી સમસ્યા બની રહી છે.