– વિશ્વ બજારમાં ક્રૂડતેલ તૂટી અઢી મહિનાના તળિયે: યુએસ ક્રૂડ ૮૦ ડોલરની અંદર
– વૈશ્વિક સોનામાં ૨૪થી ૨૫ ડોલરનો કડાકો : પ્લેટીનમ, કોપર તથા પેલેડીયમમાં પણ ગાબડા
Updated: Nov 8th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી તૂટી ગયા હતા. વિશ્વ બજારમાં ભાવ ગબડતાં ઘરઆંગણે દિવાળી પૂર્વે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઝવેરી બજારોમાં તૂટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. જો કે દિવાળી ટાંણે ભાવ તૂટતાં હવે બજારમાં તહેવારોની મોસમી માગ વધઘટની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું.
વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે ઔંશના ૧૯૮૫થી ૧૯૮૬ વાળા ગબડી ૧૯૫૮ થઈ ૧૯૬૦થી ૧૯૬૧ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૬૨૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ તૂટી રૂ.૭૨૦૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ સોના પાછળ તૂટયા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૩.૨૦ વાળા નીચામાં ૨૨.૪૯ થઈ ૨૨.૫૨થી ૨૨.૫૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૧૨૮ વાળા ૧૦૮૫ થઈ ૧૦૯૪થી ૧૦૯૫ ડોલર રહ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૯૩૬ વાળા ૮૯૪ થઈ ૮૯૫થી ૮૯૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૫થી ૧.૬૦ ટકા તૂટયા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં મંદી આગળ વધી હતી.
યુએસ ક્રૂડના ભાવ બેરલના ઘટી ૮૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૧.૬૨ વાળા નીચામાં ૭૮.૯૪ થઈ ૭૯.૪૨ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૮૫.૯૩ વાળા ૮૩.૨૨ થઈ ૮૩.૬૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૮૦૮ વાળા રૂ.૬૦૩૩૬ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૦૫૩ વાળા રૂ.૬૦૫૭૯ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૨૦૩૭ વાળા રૂ.૭૦૭૦૫ રહ્યા હતા.