- ઈ-વૅ બિલ જનરેટ કરવાની કામગીરીએ ઓગસ્ટ મહિનાનાં તમામ વિક્રમો તોડયા
- ઓગસ્ટમાં રેકોર્ડ બ્રેક રૂ. 9.34 કરોડનાં ઈ-વૅ બિલ જનરેટ થયા
- સપ્ટેમ્બરમાં ઈ-વૅ બિલ જનરેશનની ગતિ થોડી ધીમી પડી હતી
ઓક્ટોબરમાં રૂ. 10.3 કરોડનાં ઓલટાઈમ હાઈ ઈ-વૅ બિલ જનરેટ કરવામાં આવ્યા છે જે વેપાર અને બિઝનેસમાં તેજીનાં સંકેતો આપે છે. રાજ્યની અંદર કે બીજા રાજ્યોમાં માલસામગ્રીનાં પરિવહન માટે બિઝનેસમેન કે વેપારીઓ દ્વારા ઊભા કરવામાં આવતી ઈલેકટ્રોનિકસ પરમિટ કે જે ઈ-વૅ બિલ તરીકે પણ ઓળખાય છે તેમાં આ વખતે નોંધપાત્ર વધારો થયો છે અને રૂ. 10.3 કરોડનાં ઓલટાઈમ હાઈ ઈ-વૅ બિલ જનરેટ કરાયા છે. ઈ-વૅ બિલ જનરેટ કરવાની કામગીરીએ અગાઉ ઓગસ્ટ મહિનાનાં તમામ વિક્રમો તોડયા છે. અગાઉ ઓગસ્ટમાં રેકોર્ડ બ્રેક રૂ. 9.34 કરોડનાં ઈ-વૅ બિલ જનરેટ થયા હતા. તહેવારોની મોસમમાં વપરાશી ચીજવસ્તુઓની માંગમાં વધારો તેમજ કરવેરાની વસૂલાતમાં વધારો થવાને કારણે ઈ-વૅ બિલનાં જનરેશનમાં વધારો થયો હતો.
50,000 કે તેથી વધુ કિંમતની હેરફેર માટે ઈ-વૅ બિલ
દેશમાં રાજ્યોની અંદર કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રૂ. 50,000 કે તેથી વધુ કિંમતનાં કન્સાઈન્મેન્ટની હેરફેર માટે ઈ-વૅ બિલ જનરેટ કરવાનું ફરજિયાત છે. જે દેશની ઈકોનોમીમાં માંગ અને પુરવઠાનાં ટ્રેન્ડનો અગાઉથી નિર્દેશ કરે છે. મેક્રોઈકોનોમિકનાં માપદંડ તરીકે તેને મૂલવવામાં આવે છે. વધુ ઈ-વૅ બિલ જનરેટ થયા છે તે ઓક્ટોબરમાં GSTની વસૂલાત વધુ થઈ હોવાનો નિર્દેશ કરે છે તેનું પ્રતિબિંબ નવેમ્બરની GST વસૂલાતમાં જોવા મળશે. આને કારણે સરકાર રાજકોષીય ખાધને અંકુશમાં રાખી શકશે.
સપ્ટેમ્બરમાં ઈ-વૅ બિલ જનરેશનની ગતિ થોડી ધીમી પડી હતી . આમ છતાં ઓક્ટોબરમાં GST કલેક્શન વધીને રૂ. 1.62 લાખ કરોડ થયું હતું. એપ્રિલમાં જીએસટીની વસૂલાત રેકોર્ડ બ્રેક રૂ. 1.87 ટ્રિલિયન થઈ હતી.