– નવો નિર્ણય ૩૧ ડિસેમ્બર સુધી અમલી બની રહેશે
Updated: Nov 8th, 2023
મુંબઈ : તહેવારો સમયે કઠોળનો પૂરવઠો વધારવાના ભાગરૂપ સરકારે હોલસેલરોને તુવેર તથા અડદ માટેની સ્ટોક મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે જ્યારે રિટેલરો માટે સ્ટોક લિમિટ જાળવી રાખવામાં આવી છે. સરકારે વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં સ્ટોક મર્યાદા ઘટાડી હતી.
હોલસેલરો માટે તુવેર તથા અડદની સ્ટોક લિમિટ જે અગાઉ ૫૦ ટન હતી તે વધારી ૨૦૦ ટન કરાઈ છે જ્યારે રિટેલરો માટે પાંચ ટનની લિમિટ જાળવી રખાઈ છે એમ ગ્રાહક બાબતો, અન્ન અને વિતરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ઓર્ડરમાં જણાવાયું છે.
મિલરો માટે સ્ટોક મર્યાદા છેલ્લા ત્રણ મહિનાનું ઉત્પાદન અથવા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના ૨૫ ટકા આબેમાંથી જે વધુ હોય તે લાગુ થશે. આયાતકારો વધુ દિવસ સુધી સ્ટોક રાખી શકશે. આયાતકારો માટે માલ જાળવવાની મર્યાદા ૩૦ દિવસથી વધારી ૬૦ દિવસ કરાઈ છે.
સરકારનો આ નિર્ણય તાત્કાલિક અમલમાં આવશે અને ૩૧ ડિસેમ્બર સુધી લાગુ થશે. સરકારે અગાઉ સ્ટોક મર્યાદા ઘણી જ નીચી રાખી હતી જેને પરિણામે પૂરવઠામાં મુશકેલી ઊભી થતી હતી જેને કારણે ભાવમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે તે વધારાતા પૂરવઠો વધશે તેવી અપેક્ષા છે, એમ અખિલ ભારતીય ખાધ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું.
સંબંધિતોએ તેમની પાસેના સ્ટોકસની જાણકારી વિભાગના પોર્ટલ પર પૂરી પાડવાની રહેશે.