- શુભ અને શુકનવંતી રંગોળી ઘરમાંથી નકારાત્મક ઊર્જા વહન કરવાનું કામ કરે છે.
- રંગોળી બનાવવા રંગો ઉપરાંત ફૂલો,પાન,કઠોળ,જુદા જુદા આકારના આભલા વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
- રંગોળીમાં જે જુદા જુદા આકાર બનાવવામાં આવે છે તે દરેક એક ઊર્જાના પ્રવાહને ફેલાવે છે એટલે જ રંગોળીમાં સાથીયા,લક્ષ્મીજીના પગલાં લાભ,શુભનું મહત્વ છે.
દિપાવલીનો તહેવાર રંગ અને પ્રકાશનો તહેવાર કહેવાય છે. પાંચ દિવસના આ પર્વમાં રોજ લોકો પોતાના આંગણામાં અવનવા રંગોથી રંગોળી બનાવે છે. આ રંગોળી શુભ અને શુકનવંતી ગણાય છે કારણ કે લક્ષ્મીજીના સ્વાગત માટે આ રંગોળી બનાવવામાં આવે છે. ભારત દેશમાં અલગ અલગ પ્રદેશમાં જુદા જુદા પ્રકારે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે તેમાં દક્ષિણ ભારતમાં આંગણાને લિપિને દરરોજ સફેદ કલર થી રંગોળી બનાવવામાં આવે છે. ગુજરાતમાં દિવાળીમાં વિવિધ પ્રકારે રંગોળીની રચના કરવામાં આવે છે. આ રંગોળી બનાવવા માટે આમ તો આવડતની જરૂર પડે છે પરંતુ શુકનના લાલ રંગથી બનાવેલ સાથીયાથી પણ લક્ષ્મીજી ખુશ થઈ જાય છે. રંગોળી બનાવવી એ આવડતની સાથે શોખની બાબત છે ઘણા લોકો દરરોજ રંગોળી કાઢી અને ફરીથી બનાવે છે જ્યારે અમુક લોકો છેલ્લા દિવસે એટલે કે દિવાળીના દિવસે જ રંગોળી બનાવે છે. રંગોળી વિવિધ પ્રકારે બનાવી શકાય છે. રંગોળી બનાવવાની પણ એક મજા છે અડોશ પડોશના બધા લોકો ભેગા મળીને રંગોળી બનાવતા હોય છે અને તેમાં પણ એક કોમ્પિટિશન જેવું વાતાવરણ જોવા મળે કે કોના ઘરે સરસ રંગોળી થઈ છે.
ઘરની નકારાત્મક ઊર્જા આ રીતે દૂર કરો
રંગોળીનો વિચાર સ્વાગત તેમજ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટેનો છે.નેગેટિવ એનર્જી દૂર કરવા માટે મીઠું સૌથી મહત્વનો પદાર્થ છે. મીઠાના જે ગાંગડા મળે છે તેને અધકચરા ખાંડી લો અને જે ડિઝાઇન બનાવી હોય તે સૌ પ્રથમ મીઠા દ્વારા બનાવો અને ત્યારબાદ મીઠા પર રંગો વડે ડિઝાઇન કરી શકો છો તથા ફૂલોની પાંખડીઓથી પણ ડિઝાઇન કરી શકો છો. આસોપાલવ વગેરેના પાન પણ મૂકી શકો છો મુખ્યત્વે ઉર્જાને ગ્રહણ કરનાર મીઠાની હાજરી જરૂરી છે રંગોળી બાદ બીજા દિવસે રંગોળી ભેગી કરી બધું જ કચરામાં નાખી દો જેથી નકારાત્મક ઊર્જા દૂર થશે.ગુલાબ, મેરીગોલ્ડ્સ અને કમળ જેવા ફૂલોની સુગંધ સાથે ફૂલોની પાંખડીઓ દૃષ્ટિ માટે ખૂબ જ આકર્ષક લાગે છે.નકામી ઊર્જા દૂર થવા સાથે ફૂલો ના કારણે વાતાવરણ સુગંધિત બનશે.
ભારતમાં, લોકો તહેવારો દરમિયાન ઘણી પરંપરાઓ અને રિવાજોનું પાલન કરે છે. એક પ્રવેશદ્વારની બાજુમાં રંગોળી બનાવવામાં આવે છે ઉપરાંત હોળી, દિવાળી, લગ્ન, પૂજા અને અન્ય પ્રસંગો જેવા અમુક પ્રસંગો અને તહેવારો પર, લોકો ઘરને સજાવવા અને તેમના દેવી-દેવતાઓ અને મુલાકાતીઓને આવકારવા માટે આંગણામાં સરળ અને સરળ રંગોળી ડિઝાઇન કરે છે.રંગોળી એ એક પ્રકારની કળા છે જેમાં વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ રીતે રંગોળીમાં લાગશે ચાર ચાંદ
જે લોકોને સુંદર રંગોળી બનાવતા આવડે છે તે લોકો રાધા કૃષ્ણ,ગણપતિ, શિવજી,ગોપીઓ,પનિહારી સહિતના ફિગર બનાવે છે.ઘણા લોકોને આ પ્રકારની રંગોળી નથી આવડતી તે ફ્રી હેન્ડ અથવા ટપકાં કરીને રંગોળી બનાવે છે.આ રીતે રંગો દ્વારા રંગોળી બનાવ્યા બાદ તેના પર જુદા જુદા આકારના મોટા આભલા મૂકવાથી રંગોળી દીપી ઉઠશે.ઘણી વાર નાડાછડીથી પણ લાઈનિંગ કરી શકાય.રંગોળી બની ગયા બાદ તેના પર કલાત્મક દીવડા મૂકી શકાય.ઘણા લોકો બજારમાં મળતા હેન્ડીક્રાફટના શો પીસ પણ મુકતા હોય છે.
ભારતના અમુક પ્રદેશમાં ચોખાના લોટ દ્વારા રંગોળી કરવામાં આવે છે. રંગોળી એ નકારાત્મક ઉર્જાનું વહન કરે છે તેથી ઘણી વખત મીઠા દ્વારા જુદા આકાર આપી તેના પર રંગો વડે રંગોળી દોરવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે.અત્યારે બજારમાં વુડન તેમજ એક્રેલિક ની તૈયાર રંગોળી મળે છે જેના જુદા જુદા આકાર જોડી અલગ અલગ રંગોળી બનાવી શકાશે.જુદા જુદા પ્રાંતમાં રંગોળી બનાવવાની પરંપરા જુદી હોય છે પરંતુ ભાવ શુભ હોય છે તો રંગો ફૂલો અને દીવડાઓ લઈને થઈ જાઓ તૈયાર.
રંગોળી બનાવતી વખતે આટલું
રાખો ધ્યાન
રાખો ધ્યાન
- રંગોળી હંમેશા એક સરખી સપાટી પર દોરવી જોઈએ તથા સપાટી સુકાયેલ અને સ્વચ્છ હોવી જરૂરી છે.
- જો તમારું ડ્રોઈંગ ખૂબ સારું ન હોય તો સ્ટેન્સિલનો ઉપયોગ કરો. અત્યારે બજારમાં લક્ષ્મીજીના પગલાં,ગણપતિ સાથીયો, લાભ, શુભ વગેરે રેડી ડીઝાઈન મળી રહી છે.ફક્ત રંગો ભરવાના હોય છે.
- જો ફ્રી હેન્ડ ન ફાવે તો ટપકા કરી લો અને તેને અલગ અલગ જોડીને ડીઝાઈન બનાવી શકસો.
- જો ફ્રી હેન્ડ બનાવવાનું ફાવતું હોયતો પહેલા ચોક થી દોરી લો અને પછી રંગોનો ઉપયોગ કરો.
- રંગો પૂરવા માટે તેમજ આઉટ લાઇન દોરવા માટે બોટલ, નોઝલ વગેરેનો ઉપયોગ કરો.બજારમાં પણ આ પ્રકારના સાધનો મળી રહ્યા છે.
- રંગોળીમાં આકાર આપવા થાળી, ડીશનો ઉપયોગ કરી શકો.ટપકાંમાંથી આકાર આપવા ઇયર બડ્સ,ચમચી,કાંટાનો ઉપયોગ કરી શકાય.તેમજ રંગોની પુરણી માટે આંક, ચારણી નો ઉપયોગ કરી શક્શો.
- રંગોળી બનાવવા રંગો ઉપરાંત ફૂલો, પાન, કઠોળ, જુદા જુદા આકારના મીરર વગેરેનો ઉપયોગ કરી શકાય છે.