રાજસ્થાનના જયપુરથી દિલ્હી આવી રહેલી એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. સાથે જ 10-12 લોકો દાઝી ગયા છે. આ ઘટના ગુરુગ્રામના સિગ્નેચર ટાવર ફ્લાયઓવર પર બની હતી. દાઝી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ અત્યંત ખરાબ રીતે સળગી ગઈ છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો કે બસમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી બહાર આવ્યું નથી.
કહેવાઈ રહ્યું છે કે જ્યારે જયપુરથી દિલ્હી સ્લીપર બસ (AR 01 K 7707) બુધવારે મોડી સાંજે ગુરુગ્રામમાં સિગ્નેચર ટાવર ફ્લાયઓવર પર પહોંચી ત્યારે બસમાંથી આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. આગને કારણે બસમાં ચીસાચીસ મચી ગઈ હતી. બસમાં અનેક મુસાફરો હાજર હતા. બસમાં આગ લાગેલી જોઈને તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગમાં દાઝ્યા 10 થી 12 મુસાફરો
ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. બસમાં લાગેલી આગને કારણે 2 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સાથે સાથે, 10થી 12 લોકો દાઝી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. દાઝેલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં આગ લાગવા પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે.