- જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ
- શોપિયામાં આતંકી અથડામણમાં એક આતંકી ઠાર
- એક અઠવાડિયા પહેલા જ આતંકી સમૂહમાં થયો હતો સામેલ
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. એન્કાઉન્ટર શોપિયાના કાટોહલાન વિસ્તારમાં રાત્રે થયું હતું. સુરક્ષા દળોએ આતંકવાદી પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે.
કાશ્મીર ઝોન પોલીસે આપી માહિતી
પોલીસે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મેસર અહેમદ ડાર તરીકે કરી છે. જે તાજેતરમાં જ લશ્કર પ્રોક્સી ટીઆરએફમાં જોડાયો હતો. તે સ્થાનિક હતો, શોપિયાંના વેશ્રોનો રહેવાસી હતો અને એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. સાથે એ પણ સામે આવ્યું છે કે તે એક અઠવાડિયા પહેલા જ આતંકી સંગઠનમાં જોડાયો હતો. જો કે આ ઘટનાને લઇને સેના દ્વારા હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. કાશ્મીર ઝોન પોલીસે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી હતી.
આતંકી ગતિવિધિના મળ્યા હતા ઇનપુટ
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર શોપિયનના કટોહલાન વિસ્તારમાં થયું હતું. સેનાને ઈનપુટ મળ્યા હતા કે આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી છે. જેથી સેના અને પોલીસના જવાનોએ બેરિકેડ બનાવ્યો અને આતંકવાદીઓએ જવાનોની હિલચાલ જોતા જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાના જડબાતોડ જવાબમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન TRF સાથે સંકળાયેલા એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.