કાળા ધનના તામસી માર્ગમાંથી અને અજ્ઞાનના અંધારમાંથી ઊજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાભપંચમી કે જ્ઞાનપંચમી કહે છે. આ દિવસે દેવી શારદાનું પૂજન થાય છે. શારદાના બે અર્થ થાય છે લક્ષ્મી અને સરસ્વતી. બંનેની ઉપાસના દ્વારા લક્ષ્મી અને વિદ્યાને પ્રાપ્તિના માર્ગે પ્રસ્થાન કરવાનો આ શુભ દિવસ છે. લક્ષ્મીનું વૈદિક નામ `શ્રી’ છે તેથી લાભપાંચમને શ્રીપંચમી પણ કહેવાય છે. શ્રી એટલે વૈભવ, સમૃદ્ધિ, સૌંદર્ય અને માંગલ્યની દેવી. ઋગ્વેદમાં જણાવ્યા અનુસાર આ દિવસે શ્રીસુક્તનો પાઠ કરવાનો અનેરો મહિમા છે. શ્રીસુક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી દેવી કહ્યાં છે. પુરુષાર્થ કરીને વૈભવ કે ધનસંપત્તિની પ્રાપ્તિ માટે સુવર્ણમય લક્ષ્મીની પ્રાર્થના કરાઇ છે. `યસ્યા હિરણ્યમ્ વિન્દેયમ્ ગાયશ્વમ્ પુરુષાનહમ્’ અર્થાત્ સુવર્ણ, ગાય, અશ્વ અને નોકર-ચાકરથી સંપન્ન મને લક્ષ્મી પ્રાપ્ત થાઓ. લક્ષ્મી આપણો ત્યાગ ન કરે એવું પુરુષાર્થી અને સદાચારી જીવન જીવવાનો શુભ સંદેશ લાભપંચમી આપે છે. `લક્ષ્મી: લાભાત્ વા લક્ષણાત્ વા’ લાભ કરાવતી હોવાથી જેના આધારે આ દિવસનું નામ લાભપાંચમ પડ્યું છે.
સામાન્ય વેપાર, વ્યવસાયથી શરૂ કરી મોટા વિશાળ વિપુલ-ઉદ્યોગધંધા સાથે સંકળાયેલા સૌ કોઈને મન નૂતન વર્ષના પ્રારંભે લાભપંચમી એક ઉત્સવ સમાન છે. આ તો શુભ, લાભ અને સ્વસ્તિકની મંગળકાળી તિથિ છે. આ દિવસે શુભ કાર્યનો આરંભ કરવા પંચાંગ-શુદ્ધિ જોવાની જરૂર રહેતી નથી. મહદ્અંશે આ દિવસે ધંધાર્થીઓ પોતાના ક્ષેત્રમાં કામકાજનો મંગલમય શુભારંભ કરતા હોય છે, આરાધ્યદેવી-દેવતાઓનું પૂજન-અર્ચન, નૈવેદ્ય ધરાવી પોતાના ધંધાકીય ક્ષેત્રમાં નૂતન વર્ષપર્યંત ઈશ્વરીય કૃપા થકી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનું સ્થાપન થાય. દસ દિશાઓમાંથી પોતાના ધંધાકીય ક્ષેત્રનું રક્ષણ થાય, અભિવૃદ્ધિ થાય એવી વિશદ્ ભાવનાઓ વ્યક્ત કરાય છે. ઘણી વેપારી પેઢીઓમાં રૂઢિગત પરંપરા અનુસાર આ દિવસે ચોપડાપૂજન સહિત લક્ષ્મીપૂજન પણ કરવામાં આવતું હોય છે. વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર શુભ,લાભ જેવા શબ્દો લખીને સ્વસ્તિકનું ચિહ્નન કરાય છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં `શ્રી1।’ લખીને સવાઈ લક્ષ્મી પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરાય છે. નવા શરૂ થતાં વેપાર-વ્યવસાય, નાનાંમોટાં ઉદ્યોગ ક્ષેત્રમાં વેપાર વૃદ્ધિ કારિણી મા ભગવતી મહાલક્ષ્મીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય તે અર્થે આ દિવસે શ્રીયંત્ર, શ્રીમેરુયંત્ર, હંસવાહિની સરસ્વતીયંત્ર, સર્વકાર્ય સિદ્ધિ યંત્ર કે એકાક્ષી શ્રીફળની વિદ્વાન આચાર્ય પાસે પ્રાણપ્રતિષ્ઠા કરાવીને મૂકવામાં આવે છે. આ યંત્રનું નિયમિત રીતે ધૂપ-દીપ સહિત પૂજન-અર્ચન કારવાથી ધંધામાં ધારી સફળતા પ્રાપ્ત થાય છે. યંત્રપૂજા નિમિત્તે શ્રીસુક્તના પાઠ, સિદ્ધિ લક્ષ્મી સ્તોત્ર, લક્ષ્મી સ્તવન, કનકધારા સ્તોત્ર વગેરેનું પઠન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
લાભપંચમી જૈન અને હિંન્દુ ધર્મોની પવિત્ર તિથિ છે. બંને ધર્મોની અધિષ્ઠાત્રી દેવી મા શારદા (લક્ષ્મી અને સરસ્વતી) મનાય છે. લાભપાંચમની મુખ્ય દેવી મહાલક્ષ્મી છે તો જ્ઞાનપંચમીની મુખ્ય દેવી સરસ્વતીદેવી છે. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનના સંવર્ધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાનપંચમીનો તહેવાર છે. આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કરેલા આગમ ગ્રંથોનું વાંચન-શ્રવણ કરાય છે. સ્વાધ્યાય અને જ્ઞાનગોષ્ઠિ પણ થાય છે.