- રક્ષામંત્રીની સાથે રક્ષા અધિકારીઓ રહ્યા હાજર
- લોયડ ઓસ્ટિનની 9મી ઈન્ડો-પેસિફિક મુલાકાત
- અમેરિકી વિદેશ મંત્રી આવતીકાલે આવશે ભારત
અમેરિકન રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન આજે 9 નવેમ્બરે પોતાની ભારત મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ નવી દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ પર ઉતર્યા હતા. લોયડ ઓસ્ટિન ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય મંત્રી સ્તરીય ચર્ચામાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે લોયડ ઓસ્ટિનના આગમન પર એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ 5મી ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદની સહ અધ્યક્ષતા કરશે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
2+2 મંત્રી સ્તરીય સંવાદ, 2018 થી વાર્ષિક રાજદ્વારી સમિટ, ભારતના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રીના તેમના યુએસ સમકક્ષો સાથેના સહયોગની સાક્ષી છે. આ વર્ષની વાટાઘાટો મહત્વપૂર્ણ છે કારણ કે તે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાના હેતુથી આ મહત્વપૂર્ણ ચર્ચાઓનું પાંચમું સંસ્કરણ છે. મળતી માહિતી મુજબ, અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન ભારતની મુલાકાત બાદ દક્ષિણ કોરિયા અને ઈન્ડોનેશિયાની પણ મુલાકાત લેશે. ઈન્ડો-પેસિફિકની આ તેમની 9મી મુલાકાત હશે.
યુએસ ડિફેન્સ સેક્રેટરીએ ટ્વિટર પર કર્યું ટ્વિટ
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને પોતાની ભારત મુલાકાતને લઈને ટ્વિટર પર ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, “ઈન્ડો-પેસિફિકની આ મારી 9મી મુલાકાત છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ડો-પેસિફિક માટેના સહિયારા વિઝન તરફ તેના સાથી અને ભાગીદારો સાથે ઐતિહાસિક પ્રગતિ કરી રહ્યું છે.”
અમેરિકી વિદેશ મંત્રી આવતીકાલે આવશે ભારત
આ ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ 10 નવેમ્બરે ભારત આવી પહોંચશે. તેઓ 5મા ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લેશે.