- માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની શપતવિધિ માટે આમંત્રણ
- ભારત-અમેરિકા વચ્ચેની 2+2 વાટાઘાટો અંગે પણ વિદેશ મંત્રાલયે આપી માહિતી
- એર ઈન્ડિયાને સતત મળી રહેલી ધમકીઓ પર બોલ્યા પ્રવક્તા અરિંદમ બાગચી
વિદેશ મંત્રાલયે પાકિસ્તાન, ઈઝરાયેલ, માલદીવ અને કેનેડા સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા. સરકારે ભારત અને અમેરિકા વચ્ચેની ટુ-પ્લસ-ટુ વાટાઘાટો અંગે પણ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવ્યા અનુસાર, માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના શપથ ગ્રહણ સમારોહ માટે ભારતના વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાનને માલદીવમાં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મળ્યું છે, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે ભારતના સત્તાવાર પ્રતિનિધિ કોણ હશે.
આતંકવાદી ધમકીઓની સખત નિંદા કરતી ભારત સરકાર
એર ઈન્ડિયાને મળતી આતંકવાદી ધમકીઓ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, અમે આવા આતંકવાદી ધમકીઓની સખત નિંદા કરીએ છીએ… અમે હિંસા અને ધમકી આપી ભડકાવતા કટ્ટરપંથી અને આતંકવાદી તત્વોની પ્રવૃત્તિઓ પર વિદેશી સરકારો સાથે વાતચીત કરી રહ્યા છીએ અમે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખીશું. આવા ઉગ્રવાદી તત્વોને સ્થાન ન આપવા માટે આ સરકારો પર દબાણ ચાલુ રાખવામાં આવશે. અમે આની સામે ચોક્કસપણે જરૂરી સુરક્ષા પગલાં લઈશું.
ભારત-અમેરિકા 2+2 મંત્રણા, કેનેડા મુદ્દે પણ ચર્ચા
પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને કરતારપુર કોરિડોર સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પ્રવક્તા અરિન્દમ બાગચીના જણાવ્યા અનુસાર, માલદીવમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ અને કયા પદની રૂએ કરશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યા બાદ મીડિયાને જાણ કરવામાં આવશે. શું અમેરિકા સાથે ઈઝરાયેલ અને કેનેડાના મુદ્દાઓ પર ચર્ચા થશે? આ પ્રશ્ન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, શુક્રવારે 2+2 મંત્રણા થશે. અમેરિકાના રક્ષા મંત્રી આજે જ આવ્યા છે. વિદેશ મંત્રી બ્લિંકન પણ થોડા દિવસો પછી આવે તેવી શક્યતા છે.