- કમિટીના રિપોર્ટમાં મહુઆનું સંસદ સભ્યપદ રદ્દ કરવા ભલામણ: અહેવાલો
- જો મહુઆનું સભ્યપદ જાય છે તો શું હશે તેમનું નેક્સ્ટ સ્ટેપ?
- મહુઆ મોઈત્રા મામલે શું ભૂમિકા રહેશે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની?
તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. લોકસભામાં પૈસા લઈને પ્રશ્નો પૂછવાના આરોપોની તપાસ કરી રહેલી સંસદની એથિક્સ કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં મહુઆ મોઈત્રાનું સંસદ સભ્યપદ રદ્દ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમજ આ મામલે કાયદાકીય અને સંસ્થાકીય તપાસની ભલામણ કરવામાં આવી છે.
તો ચાલો જાણીએ શું છે કેશ ફોર ક્વેરીનો સમગ્ર મામલો. અને આ મામલે શું આવી એથિક્સ કમિટીનો રિપોર્ટ? અને શું મહુઆ મોઈત્રાનું સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે? આ પ્રકારનો કેસ પહેલા આવ્યો છે?
શું છે કેસ ફોર ક્વેરી કેસનો સમગ્ર મામલો?
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પ્રમાણે સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. દુબેએ 15 ઓક્ટોબરના રોજ લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે તાજેતરમાં લોકસભામાં મહુઆ દ્વારા પૂછવામાં આવેલા 61 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો અદાણી જૂથ પર કેન્દ્રિત હતા.
આરોપ છે કે બિઝનેસમેન દર્શન હિરાનંદાની તરફથી તેઓ અદાણી ગ્રુપને ટાર્ગેટ કરવા માટે લોકસભામાં પ્રશ્નો કરી રહ્યા હતા. દુબેએ દાવો કર્યો હતો કે હિરાનંદાનીએ અલગ-અલગ જગ્યાએથી અને મોટાભાગે દુબઈથી પ્રશ્નો પૂછવા માટે મોઈત્રાના ‘લોગિન આઈડી’નો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ લોકસભાના સ્પીકરે દુબેની ફરિયાદને એથિક્સ કમિટી સમક્ષ મોકલી દીધી હતી.
આ મામલે શું આવ્યો એથિક્સ કમિટિનો રિપોર્ટ?
સંસદમાં કેશ ફોર ક્વેરી કેસના મામલાની તપાસ કરી રહેલી લોકસભાની એથિક્સ કમિટીએ 2 નવેમ્બરે તપાસ બાદ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. અહેવાલો અનુસાર, 500 પેજના આ રિપોર્ટમાં મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ્દ કરવા માંગ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહુઆ મોઇત્રાએ જે કર્યું તે અત્યંત વાંધાજનક, અનૈતિક અને અપરાધ હતો. સમિતિના રિપોર્ટમાં ટીએમસી સાંસદ વિરુદ્ધ કડક કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત આ મામલે કાયદાકીય અને સંસ્થાકીય તપાસની પણ ભલામણ કરવામાં આવી છે.
દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે લોકપાલે મહુઆ સામેના આરોપોને લઈને CBI તપાસનો આદેશ આપ્યો છે.
તો શું રદ્દ થઈ શકે છે મહુઆનું સંસદ સભ્યપદ? શું છે નિયમો?
હાલમાં તો અહેવાલો મળી રહ્યા છે કે એથિક્સ કમિટી ગુરુવારે સાંજે વધુ એક બેઠક કરશે, જેમાં રિપોર્ટ પર મતદાન કરવામાં આવશે. મતદાન બાદ રિપોર્ટ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સોંપવામાં આવશે. આ બાબત પર કાર્યવાહી કરવાનું લોકસભા અધ્યક્ષના અધિકારોમાં આવે છે, જે નક્કી કરશે કે મહુઆ મોઇત્રાને નિષ્કાસિત કરવા જોઈએ કે નહીં.
એથિક્સ કમિટીના ભૂતકાળના નિર્ણયો દર્શાવે છે કે પેનલ અનૈતિક આચરણ માટે દોષિત ઠરેલા સભ્ય સામે ગૃહમાંથી સસ્પેન્શન, માફી અથવા ટીકા કરવા જેવા પગલાંની ભલામણ કરે છે. જો કે, તેની પાસે સાંસદ સામે કેસ ચલાવવાની શિક્ષાત્મક સત્તા નથી.
માની લઈએ કે લોકસભા અધ્યક્ષ સંસદીય સમિતિની ભલામણોને આગળ વધારે છેઃ અને મહુઆ મોઈત્રાને નિષ્કાસિત કરે છે તો એ મહુઆ મોઈત્રા આ મુદ્દે કોર્ટમાં પણ જઈ શકે છે.
તો શું મહુઆ વિરુદ્ધ થશે CBI તપાસ?
લોકસભાની પેનલની તપાસ ઉપરાંત મહુઆ મોઇત્રા વિરુદ્ધ લોકપાલમાં નોંધાયેલી ફરિયાદ પેન્ડિંગ છે. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા રાષ્ટ્રીય સ્તરે ભ્રષ્ટાચારની ફરિયાદો જોવા માટે જવાબદાર છે.
ભૂતપૂર્વ લોકસભાના મહાસચિવ પીડીટી આચાર્યએ ભૂતકાળના દાખલાઓને ટાંકીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોઇત્રાના કેસમાં, જો ફરિયાદ તેણીએ ગેરકાયદેસર રીતે ભેટ સ્વીકારવાની છે, તો આ મામલો વિશેષાધિકારના ભંગનો બની જાય છે અને તેણે એથિક્સ કમિટી દ્વારા પતાવી ન શકાય. કેમ કે કોઈ લોકસેવક દ્વારા લાંચ લેવી એક અપરાધિક કૃત્ય છે, તેના માટે તેની તપાસ સામાન્ય રીતે સરકારની ગુનાહિત તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે.
શું પહેલા પણ આવ્યા છે કેશ ફોર ક્વેરીના કેસ?
આ પહેલા 2005માં સંસદમાં પ્રશ્નો ઉઠાવવા માટે 11 સાંસદો પર લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ બે પત્રકારો દ્વારા આ સાંસદો સામે સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એક ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું જે કેશ ફોર ક્વેશ્ચન કૌભાંડ તરીકે જાણીતું બન્યું હતું. બાદમાં તમામ 11 સાંસદોની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. સસ્પેન્ડેડ સાંસદોએ હકાલપટ્ટીને પડકાર્યો હતો, પરંતુ 2007ના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે તેને યથાવત રાખ્યો હતો.