– ચાલુ કેલેન્ડર વર્ષમાં ૧૪૭ નાના અને મધ્યમ ઉદ્યોગોની કંપનીઓ મુડીબજારમાં આવી
Updated: Nov 10th, 2023
અમદાવાદ : નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) એ આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ ૧૫૦ આઈપીઓ રજુ કર્યા છે. આ આંકડો એક કેલેન્ડર વર્ષ માટેનો રેકોર્ડ છે, જે ૨૦૧૮માં અગાઉના ૧૪૧ના આંકડાને વટાવી ગયો છે.
પ્રાઇમ ડેટાબેઝ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ઓક્ટોબરના અંત સુધીમાં ૧૪૭ કંપનીઓએ સફળતાપૂર્વક તેમના શેરનું વેચાણ પૂર્ણ કર્યું હતું અને રૂ. ૩,૭૨૭ કરોડ એકત્ર કર્યા હતા. આ મહિનામાં અડધો ડઝનથી વધુ કંપનીઓ મુડીબજારમાં આવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઇક્વિટી માર્કેટમાં ૨૧૧ ટ્રેડિંગ સેશન થયા છે, એટલે કે દર ૧.૩૮ દિવસે એક એસએમઈ આઈપીઓ આવ્યો છે.
બજારના જાણકારોનું કહેવું છે કે આ વર્ષે એસએમઈ આઈપીઓમાં થયેલા વધારાને નાના રોકાણકારોના ઉત્સાહને કારણે મદદ મળી છે. આ વર્ષે લગભગ ૭૫ ટકા એસએમઈ આઈપીઓ તેમની ઇશ્યૂ કિંમત કરતાં વધુ કિંમતે લિસ્ટ થયા હતા.
લિસ્ટિંગના દિવસે લગભગ ૨૦ ટકા શેર બમણાથી વધુ વધ્યા હતા જ્યારે એક શેરમાં ૨.૬ ગણાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. લગભગ ૨૫ ટકા લિસ્ટેડ એસએમઈ શેર આ વર્ષે ૫૦ ટકા વધ્યા છે. ઘણા એસએમઈ આઈપીઓ એ આ વર્ષે ઉત્તમ વળતર આપ્યું છે. તેમાંથી કેટલાક મલ્ટીબેગર પણ બની ગયા છે.
૨૦૧૨માં લોન્ચ થયેલું એસએમઈ પ્લેટફોર્મ અન્ય આઈપીઓ કરતાં અલગ છે અને તેના નિયમો પણ અલગ છે. ઉદાહરણ તરીકે, ઓફર ડોક્યુમેન્ટ્સ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા નહીં પરંતુ એક્સચેન્જો દ્વારા મંજૂર કરવામાં આવે છે કે જેના પર તેઓ સૂચિબદ્ધ છે.