– દિવાળીમાં ચીની માલને જાકારો અપાતા ત્યાંના વેપારીઓને રૂ. એક લાખ કરોડના નુકસાનનો અંદાજ
Updated: Nov 10th, 2023
મુંબઇ : ઘરઆંગણે ઉત્પાદિત થતા માલસામાનને પ્રાથમિકતા આપવાનું દેશના લોકોએ શરૂ કરતા વર્તમાન વર્ષના દિવાળીમાં દિવાળીમાં વપરાશમાં લેવાતા માલસામાનના વેચાણમાં ચીનને રૂપિયા એક લાખ કરોડની ખોટ જવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
દિવાળીના દિવસોમાં એકલા ધનતેરસમાં જ રૂપિયા ૫૦,૦૦૦ કરોડનું વેપાર વોલ્યુમ જોવા મળવાની અપેક્ષા છે એમ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)ના પ્રમુખ બીસી ભારતીયાએ જણાવ્યું હતું.
એક અંદાજ પ્રમાણે દિવાળી દરમિયાન કુલ રૂપિયા ૩.૫૦ લાખ કરોડનો વેપાર થવાનો વેપારીઓ અંદાજ મૂકી રહ્યા છે.
વોકલ ફોર લોકલની હાકલને વપરાશકારો જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે અને ઘરઆંગણે ઉત્પાદિત માલસામાનને પ્રાથમિકતા અપાઈ રહી છે, જેને પરિણામે દિવાળીમાં વપરાતી ચીજવસ્તુના વેચાણમાં ચીનને આ વર્ષે રૂપિયા એક લાખ કરોડની ખોટ જવાનો અંદાજ હોવાનું તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.
નવી ખરીદી માટે ધનતેરસને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસમાં સોનાચાંદીની જ્વેલરી, કલાકૃતિઓ, વાહનો, ઈલેકટ્રોનિકસ સાધનો તથા રહેઠાણની મોટેપાયે ખરીદી થાય છે.
દેશના અર્થતંત્રની મજબૂત સ્થિતિને કારણે વપરાશકારોનું માનસ પણ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. કોરોના બાદ આ પહેલી એવી દિવાળી જોવા મળી રહી છે, જેમાં ઉપભોગતામાં ખરીદીમાં રસ જોવા મળે છે, એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
દિવાળી બાદ લગ્નસરાની મોસમ શરૂ થતી હોય લગ્ન નિમિત્તેની ખરીદીનો પણ દિવાળીના શુભદિવસોથી પ્રારંભ થતો હોય છે.