- જન્મ નિયંત્રણ, મહિલા શિક્ષણને લઇને નીતિશ કુમારનું નિવેદન
- મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ
- ડે.સીએમ તેજસ્વી યાદવ આવ્યા સીએમના બચાવમાં
બિહાર વિધાનસભામાં એક તરફ જન્મ નિયંત્રણને લઇને સીએમ નીતિશ કુમારનું નિવેદન તો બીજી તરફ જાતિજનગણનાને લઇને પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ નિવેદન આપતા નીતિશ કુમાર લાલઘૂમ થઇ ગયા હતા. જેને લઇને આજે જીતનરામ માંઝી દ્વારા વિધાનસભા પરિષદમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ગૃહમાં પણ ભારે હોબાળો થયો હતો જેના કારણે કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. પરંતુ હજી પણ નીતિશ કુમારના જન્મ નિયંત્રણના નિવેદનને લઇને વિરોધનો સૂર શમ્યો નથી. આ મામલે ડે.સીએમ તેજસ્વી યાદવે મહત્વનું નિવેદન આપ્યું છે.
માફી તો માગી ચૂક્યા છે નીતિશ કુમાર- ડે.સીએમ
મહત્વનું છે કે સીએમ નીતિશ કુમારના નિવેદન પર ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ કરી રહી છે. જન્મ નિયંત્રણ અને મહિલા શિક્ષણને કરેલા નિવેદન પર લોકો ચોમેરથી ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે આ નિવેદન મુદ્દે ડે.સીએમ તેજસ્વી યાદવ સીએમ નિતીશ કુમારને સમર્થન આપી રહ્યા છે. ત્યારે વધુ એકવાર તેઓએ આ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે તેમણે દલિત વિરોધી શબ્દોનો ઉપયોગ કર્યો નથી. તેમનો કહેવાનો મતલબ લોકો સમજે છે તેવો ન હતો. તેઓ અગાઉ પણ માફી માંગી ચૂક્યા છે.
નીતિશ કુમારે માંગી છે માફી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં સેક્સ એજ્યુકેશન પર આપેલા ભાષણને લઈને કહ્યું કે મેં મહિલા શિક્ષણની વાત કરી હતી. અમે આ વાત આકસ્મિક રીતે કહી છે, જો કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. આ પછી સીએમ નીતિશે ગૃહમાં માફી પણ માંગી લીધી છે. ગૃહમાં બોલતા નીતિશે કહ્યું કે અમે મહિલા શિક્ષણ પર ભાર મુકીએ છીએ. જો મારાથી કોઈને પણ દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. હું મારી જાતને નિંદા કરું છું. હું માત્ર શરમ અનુભવી રહ્યો નથી પરંતુ દુઃખ પણ વ્યક્ત કરી રહ્યો છું.