- મંદિરમાં સુશોભનનું કામ જોરશોરથી શરૂ
- દિવાળી બાદ મંદિર છ મહિના માટે બંધ થશે
- ચારધામ યાત્રા પણ અંતિમ તબક્કામાં
દિવાળીના તહેવાર માટે બદ્રીનાથ અને કેદારનાથ ધામને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. પર્વ નિમિત્તે ધામોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. આ અવસર પર બદ્રીનાથ મંદિરને દસ ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કર્મચારીઓ રંગબેરંગી રોશનીથી મંદિરને શણગારી રહ્યા છે. મંદિરની ચારે બાજુ ફૂલોની માળા લગાવવામાં આવી છે. મંદિરના પ્રવેશદ્વાર પર પીપળા અને આંબાના પાન સાથે ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા છે.
ચારધામ યાત્રા છેલ્લા તબક્કામાં
ચારધામ યાત્રા છેલ્લા તબક્કામાં છે. અત્યાર સુધી ચારધામની સાથે હેમકુંડ સાહિબના દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 55 લાખને પાર થવા જઈ રહી છે, જે યાત્રાના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ છે. તેમજ બાબા કેદાર અને બદ્રીનાથ ધામમાં 51 હજારથી વધુ VIP આવ્યા હતા. કેદારનાથ અને યમુનોત્રી ધામના દરવાજા 15 નવેમ્બરે બંધ રહેશે, જ્યારે ગંગોત્રી ધામના દરવાજા 14 નવેમ્બરે અને બદ્રીનાથ ધામના દરવાજા 18 નવેમ્બરે બંધ રહેશે. ચારધામના દરવાજા બંધ થતાં શિયાળાના છ મહિના સુધી યાત્રા બંધ રહેશે. તેથી આ બન્ને ધામમાં કોઈ જ પ્રકારની પૂજા અર્ચના થશે નહીં, દર્શન માટે પણ છ મહિના સુધી રાહ જોવી પડશે.
હજુ હવામાન બદલાશે
છેલ્લા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ મંદિરના દર્શન કર્યા હતા. તેમણે અહીંયા આવીને ખાસ પૂજા અર્ચના કરી હતી. જોકે, ડિસેમ્બર મહિનો નજીક આવતા સમગ્ર ઉત્તરાખંડમાં ઠંડીની માત્રા વધતી જાય છે. આ વખતે પણ ઠંડી હાડ થીજાવશે એવું હવામાન ખાતાનું કહેવું છે. જોકે, સિઝનની પહેલી હિમવર્ષા તો થઈ ચૂકી છે. જેમ જેમ ડિસેમ્બર મહિનો નજીક આવશે એમ અહીંના વાતાવરણમાં એક પ્રકારનો પલટો જોવા મળશે.