કાળીચૌદશના દિવસે મહાકાળી માતાની પૂજા કરવામાં આવતી હોય છે. આ દિવસને મહાકાળી માતાના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કાળી ચૌદશને નરક ચતુર્દર્શી તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક તહેવારો સાથે કોઈ ને કોઈ પૌરાણિક કથા જોડાયેલી હોય છે. એવી રીતે કાળીચૌદશ સાથે પણ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
નરકાસુરના વધની કથા
એક પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. નરકાસુર પાસે અલૌકિક શક્તિઓ હતી, તેથી એની સાથે લડવું કોઈના વશમાં નહોતું. નરકાસુરનો ત્રાસ વધી જતાં બધા દેવો ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયા હતા. દેવતાઓની હાલત જોઈને શ્રીકૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઇ ગયા હતા. બીજી કથામાં નરકાસુરે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ આ દિવસે જ એટલે કે કાળીચૌદશે કર્યો હતો. અન્ય એક કથા અનુસાર નરકાસુરને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત થયેલું હતું કે તે માત્ર સ્ત્રીના હાથથી જ મૃત્યુ પામશે, જેથી નરકાસુરનો વધ શ્રીકૃષ્ણએ તેમનાં પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો. તેથી આ દિવસને નરકા ચતુર્દર્શી અથવા નરક ચતુર્દર્શી પણ કહેવામાં આવે છે. આ કન્યાઓને કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણે પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતા. તેથી ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળીચૌદશના દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકનાં દર્શન કરવાં પડતાં નથી. અન્ય એક દંતકથા અનુસાર આ રાક્ષસ કાલીના હાથે હણાયો હતો તેથી આ દિવસ પશ્ચિમ બંગાળમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
રતિદેવ સાથે જોડાયેલી કથા
રતિદેવ નામનો એક રાજા હતો. જે ખૂબ જ દાન-પુણ્યનાં કાર્યો કરતો હતો. તેના નિધન બાદ તેને યમરાજા લેવા માટે આવ્યા અને તેને જાણ થઇ કે તેને નરકમાં લઇ જવામાં આવી રહ્યો છે, ત્યારે તે ચોંકી ગયો. તેમણે યમરાજને પ્રશ્ન કર્યો કે મેં આટલાં દાન-પુણ્ય કર્યાં અને કોઈ પણ ખોટું કાર્ય કર્યું નથી છતાં પણ તમે મને નરકમાં શા માટે મોકલી રહ્યાં છો. રતિદેવના આ સવાલના જવાબમાં યમરાજે જણાવ્યું કે તેણે એક વાર પૂજારીને તેના ઘરેથી ભૂખ્યા પેટે મોકલ્યો હતો. જેના કારણે તેને નરકમાં લઇ જવામાં આવી રહ્યો છે. રતિદેવે યમરાજ સમક્ષ પ્રાર્થના અને યાચના કરી, વધુ એક જીવન માંગવાની વિનંતી કરી. યમરાજે તેની આ વિનંતી સ્વીકારી અને રતિદેવે પોતાનું જીવન પરત આપ્યું. જીવન જીવનદાનમાં મળ્યા બાદ રતિદેવ સાધુસંતને મળ્યા અને તેમને નરકમાં ન જવા માટેના ઉપાયો અંગે પૂછ્યું. સાધુસંતે મહારાજને નરક ચતુર્દર્શીના દિવસે ઉપવાસ કરવાની અને ભૂખ્યા પૂજારીને ભોજન કરાવવાની સલાહ આપી. જેને રતિદેવે અનુસરી અને નરકમાં જવાથી બચી ગયા હતા.
વિષ્ણુ વામન અવતાર સાથે જોડાયેલી કથા
જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને રાજા બલિના સમગ્ર મહેલ સહિત પૃથ્વી અને આકાશને બે પગલાંમાં માપ્યાં, ત્યારે ભગવાન વામને રાજા બલિને પૂછ્યું કે હવે તે ત્રીજું પગલું ક્યાં મૂકે? આ પ્રશ્નના જવાબમાં રાજા બલિએ ભગવાન વામનને તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક પર રાખવા કહ્યું. રાજા બલિની આ ભક્તિ જોઇને ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. પછી રાજા બલિએ વરદાન માંગીને ભગવાન વામનને કહ્યું કે દર વર્ષે ત્રયાદશીના દિવસથી લઇને અમાવસ્યા સુધી તેણે પૃથ્વી પર શાસન કરવું જોઇએ અને આ સમય દરમિયાન જે કોઇ રાજા બલિના રાજ્યમાં ચતુર્દર્શીની તિથિએ દીપદાન કરશે, એવા બધા જાતકો અને તેમના પૂર્વજોને નરકની યાતનાનો સામનો કરવો પડશે નહીં. ભગવાન વામને રાજા બલિની વાત સ્વીકારી લીધી, ત્યારથી નરક ચતુર્દર્શીનો તહેવાર ઊજવવામાં આવે છે.
આ દિવસે યમરાજને પણ એક દીવો કરવામાં આવે છે, જેને યમદીપક કહે છે. મૃત્યુ ક્યારે થવાનું છે તેની કોઇને જાણકારી હોતી નથી પરંતુ કોઈ પણ વ્યક્તિ તેનું અકાળે અવસાન ન થાય એટલે યમરાજ સમક્ષ દીપ પ્રગટાવીને પ્રાર્થના કરવામાં આવે છે. આમ, કાળીચૌદશના દિવસ સાથે આ ઉપરાંત પણ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
અકાળ મૃત્યુનો ભય છે, તો સહાય કરશે માતા કાળી
ઘણા લોકોને અકાળ મૃત્યુનો ભય સતાવતો હોય છે. એ સ્વાભાવિક પણ છે, કારણ કે રોજ અકસ્માતને કારણે અથવા અન્ય કોઇ કારણસર નાની ઉંમરમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. પરિણામે હું જલદી મૃત્યુ પામીશ તો? એવો ડર લાગે છે. જો તમને પણ અકાળ મૃત્યુનો ભય સતાવી રહ્યો હોય તો કાળીચૌદશની રાત્રે પીપળાના ઝાડ પાસે જઇ ત્યાં યમરાજને પ્રાર્થના કરો કે તમારો અકાળ મૃત્યુનો ભય દૂર કરે. આ પ્રયોગ ફક્ત એક જ વખત કરવાનો છે, એનાથી તમારા મૃત્યનો ભય તાત્કાલિક દૂર થશે.
શ્રી મહાકાળી મંત્ર
॥ ઓમ હ્રૌં કાલી મહાકાલી કિલિકિલે ફટ્ સ્વાહા ।।
તમારા જીવનમાં કોઈ શત્રુ છે, જે તમને હેરાન કરે છે તો તમે આ ભદ્રકાળી મંત્રનો ઉપયોગ કરો. એનાથી તમે શત્રુને પોતાના વશમાં કરી શકો છો. આ મંત્રનો ઉપયોગ શત્રુઓનો તીવ્ર વિનાશ કરવા માટે કરવામાં આવે છે. માતા ભદ્રકાળી અર્થ, કર્મ અને ધર્મની સિદ્ધિ આપનારાં માતા છે. તેથી જે સાધક માતા ભદ્રકાળીની સાધના અને પૂજા-અર્ચના ખરા દિલથી કરે છે તેમની ઇચ્છા મહાકાળી પૂર્ણ કરે છે.
હનુમાન મંત્ર
॥ ઓમ હં હનુમતે રુદ્રાત્મકાયં હૂં ફટ્ ।।
આ હનુમાનજીનો રુદ્ર મંત્ર છે. શત્રુ, ભય, અનિદ્રા, જાનહાનિના ડરથી છુટકારો મેળવવા માટે આ મંત્રનો ઉપયોગ કરવો જોઇએ. આ મંત્ર ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે.