- રાજ્યોનાં મંજૂર થયેલાં બિલો લટકાવવાનો મામલો ગંભીર ચિંતાનો વિષય : સુપ્રીમ કોર્ટ
- કોર્ટે કહ્યું કે લોકતંત્ર મુજબ મુખ્યપ્રધાન અને રાજ્યપાલે કામ કરવું જોઈએ
- રાજ્યપાલોની સત્તા મામલે કાયદો નક્કી કરવા તેઓ આદેશ બહાર પડાશે
રાજ્ય સરકારો દ્વારા પાસ કરવામાં આવેલાં બિલોને મંજૂર કરવાને બદલે લટકાવી રાખવાનાં પંજાબ અને તામિલનાડુનાં રાજ્યપાલોનાં વલણ સામે સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે બંને રાજ્યોનાં રાજ્યપાલોને ફટકાર લગાવીને આ મુદ્દાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો. બેન્ચે પંજાબ સરકાર તેમજ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સામે આ મુદ્દે ગંભીર ચિંતા દર્શાવી હતી. કોર્ટે ગવર્નરને કહ્યું હતું કે તમે આગ સાથે રમત રમી રહ્યા છો. રાજ્ય વિધાનસભાની બેઠકને ગેરબંધારણીય જાહેર કરવાની ગવર્નરની સત્તા સામે કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા. બેન્ચે પંજાબ સરકારનાં બજેટ સત્રને મુલતવી રાખવાનાં અને ફરી નહીં બોલાવવાનાં નિર્ણય સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે લોકતંત્ર મુજબ મુખ્યપ્રધાન અને રાજ્યપાલે કામ કરવું જોઈએ. બિલોને મંજૂરી આપવાની રાજ્યપાલોની સત્તા મામલે કાયદો નક્કી કરવા તેઓ આદેશ બહાર પડાશે.
સુપ્રીમ કોર્ટના CJI ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે બી પારડીવાલા તથા જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે પંજાબ સરકાર તેમજ રાજ્યનાં ગવર્નર બનવારીલાલ પુરોહિતને આડે હાથ લેતા કહ્યું હતું કે, આપણો દેશ સુસ્થાપિત થયેલી પરંપરા અને પ્રણાલિકાઓ મુજબ ચાલે છે જેને અનુસરવાની તમારી ફરજ છે. તામિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, આ પ્રકારની સિસ્ટમ ઘણો જ ચિંતાનો વિષય છે. આ મામલે એટર્ની જરનલ આર. વેંકટરામાણી તેમજ સોલિસીટર જનરલ તુષાર મહેતાની મદદ લેવાનું કોર્ટે નક્કી કર્યું હતું.
ગંભીર ચિંતાનો વિષય
તામિલનાડુ સરકારની ગવર્નર આર એન રવિ સામેની ફરિયાદનાં સંદર્ભમાં કોર્ટે કેન્દ્ર સરકારનાં એટર્ની જનરલ તેમજ સોલિસીટર જનરલની મદદ લેવાનો નિર્ણય લીધો છે. બેન્ચે રાજ્ય સરકાર અને ગવર્નર વચ્ચેનાં ઘર્ષણને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો. તામિલનાડુ સરકાર વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા 2-3 વર્ષ જૂના બિલો હજી ગવર્નરની મંજૂરી માટે પેન્ડિંગ છે. ભ્રષ્ટાચારનાં કેસમાં પ્રધાનો તેમજ સ્ન્છ સામે કાનૂની કાર્યવાહી કરવાની ગવર્નર દ્વારા મંજૂરી અપાતી નથી.