- ITBPના સ્થાપના દિવસ સમારોહને કેન્દ્રીય ગૃહપ્રધાનનું સંબોધન
- ચીન સરહદે દેશના બહાદુર હિમવીરો તહેનાત, સરહદી ગામો વાઇબ્રન્ટ વિલેજ બનશે
- છેલ્લા 10 વર્ષમાં આઇટીબીપીનો ખર્ચ ત્રણ ગણા સુધી વધ્યો
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શુક્રવારે ઉત્તરાખંડના દેહરાદૂનમાં ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના 62મા સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે શહીદોને શ્રાદ્ધાંજલિ પણ આપી અને પરેડની સલામી પણ ઝીલી. સમારોહમાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેવા અમિત શાહ ગુરુવારે સાંજે જ દેહરાદૂન પહોંચી ગયા હતા. આ પ્રસંગે શાહે જણાવ્યું કે દેશના દુશ્મનો માટે ભારતની એક ઇંચ જમીન પડાવવી પણ અશક્ય હશે. દેશની હિમાલય સરહદો પર હિમવીરોની તહેનાતીના કારણે દરેક દેશવાસી સુરક્ષા અનુભવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આઇટીબીપીની નવી સાત બટાલિયનને સ્વીકૃતિ આપી છે. તેમાંથી ચાર બટાલિયન સ્થાપિત થવા સાથે પાંચ હજાર જવાનોની ભરતી પણ થઇ ચૂકી છે. અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સ્વીકૃત બટાલિયનો ભારત-ચીન સરહદે તહેનાત થશે. ભારત-ચીન સરહદે ચુસ્ત સુરક્ષા માટે દેશના બહાદુર હિમવીરો તહેનાત છે અને હવે ચીન સરહદે વસેલા ગામો વાઇબ્રન્ટ વિલેજ બનશે. તે માટે કેન્દ્ર સરકાર અસરકારક નીતિ ઘડીને કામ કરી રહી છે.
શાહે ઉમેર્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં આઇટીબીપીનો ખર્ચ ત્રણ ગણા સુધી વધ્યો છે. ભારત-ચીન સરહદે રસ્તા, બ્રિજ અને હેલિપેડના નિર્માણ સહિત પાયાની સુવિધાઓ ઊભી કરવા 2023માં 12 હજાર કરોડ રૂપિયાથી વધુ બજેટ મંજૂર થઇ ચૂક્યું છે, જે 10 વર્ષ અગાઉ સુધી માત્ર ચાર હજાર કરોડ રૂપિયા જ હતું. તદુપરાંત, આઇટીબીપીના બહાદુર જવાનો માટે રેલવે અને વિમાની મુસાફરીમાં અર્ધલશ્કરી દળો માટે રિઝર્વેશન ક્વોટા લાગુ કરાયો છે.