- રિફંડ સિવાય સીધા કરવેરાની ચોખ્ખી આવક 21.8 ટકા વધીને રૂ. 10.6 ટ્રિલિયન થવા પામી
- સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ તેમજ PIT ની વસૂલાત 27.98 ટકા થઈ
- રિફંડ એડજસ્ટ કર્યા પછી CITની ચોખ્ખી વસૂલાત 12.48 ટકા થવા પામી
દેશમાં 9મી નવેમ્બર સુધીમાં સીધા કરવેરાની કુલ આવક રૂ. 12.37 ટ્રિલિયન થઈ છે જે ગયા વર્ષનાં આ જ ગાળાની સરખામણીમાં 17.5 ટકાનો વધારો દર્શાવે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)નાં જણાવ્યા મુજબ રિફંડ સિવાય સીધા કરવેરાની ચોખ્ખી આવક 21.8 ટકા વધીને રૂ. 10.6 ટ્રિલિયન થવા પામી છે 1 એપ્રિલથી 9 નવેમ્બર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કરદાતાઓને રૂ. 1.77 ટ્રિલિયનનું ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં થયેલી કરવેરાની વસૂલાત બજેટનાં અંદાજોનાં 58.15 ટકા છે. નાણાકીય વર્ષ 24માં સીધા કરવેરા તેમજ આડકતરા કરવેરાની કુલ આવક 10.45 ટકા વધીને રૂ. 33.61 ટ્રિલિયન થવાનો અંદાજ છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે કોર્પોરેટ ઇન્કમટેક્સ (CIT)ની વસૂલાતમાં 7.13 ટકાનો વધારો નોંધાયો છે. પર્સનલ ઇન્કમટેક્સ (PIT) આ વર્ષે 28.29 ટકા વધ્યો છે. સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ તેમજ PIT ની વસૂલાત 27.98 ટકા થઈ છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી CITની ચોખ્ખી વસૂલાત 12.48 ટકા થવા પામી છે. એકલા PITની આવક 31.77 ટકા થઈ છે જ્યારે STT સાથે 31.26 ટકા થવા પામી છે.
જીએસટીની આવકમાં વાર્ષિક ધોરણે 13થી 14 ટકા વૃદ્ધિની સંભાવના
એક અંદાજ મુજબ GSTની આવકમાં વાર્ષિક ધોરણે 13થી 14 ટકા વધારો થવાની સંભાવના છે. 2024-25માં માસિક સરેરાશ આવક વધીને રૂ. 1.7થી 1.8 ટ્રિલિયનને સ્પર્શે તેવી ધારણા છે. ઓક્ટોબરમાં GSTની આવક રૂ. 1.72 ટ્રિલિયન થઈ હતી. જો કે એપ્રિલમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક રૂ. 1.87 ટ્રિલિયનની આવક નોંધાઈ હતી.