– ભારતમાં ફિનટેક ક્રાંતિએ અભૂતપૂર્વ ભૂમિકા ભજવી, તેની સક્સેસ સ્ટોરી ખરેખર આંતરરાષ્ટ્રીય મોડલ બની ગઈ
Updated: Nov 11th, 2023
મુંબઈ : તાજેતરના મહિનાઓમાં ફુગાવામાં ઘટાડો થયો હોવા છતાં ભારત ખાદ્યપદાર્થોના ભાવ આંચકાથી સંવેદનશીલ છે તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. આવા સંજોગોમાં નાણાકીય નીતિ સંપૂર્ણપણે સાવધ છે અને તેનું વલણ આર્થિક વૃદ્ધિને ટેકો આપવા અને ફુગાવાને નિયંત્રિત કરવાનું છે.
ભારતીય છૂટક ફુગાવો, ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા માપવામાં આવે છે, તે સપ્ટેમ્બરમાં ઘટીને ૫.૦૨ ટકાના ત્રણ મહિનાની નીચી સપાટીએ છે કારણ કે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ તે રિઝર્વ બેન્કના ૪ ટકાના લક્ષ્યાંકથી ઉપર છે. ઓગસ્ટ ૨૦૨૩માં રિટેલ ફુગાવાનો દર ૬.૮૩ ટકા હતો તેમ જાપાનમાં ભારતીય અર્થતંત્ર પરના સેમિનારમાં બોલતા દાસે કહ્યું હતું.
સરકારે સેન્ટ્રલ બેંકને બે ટકાના તફાવત સાથે ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવાને ચાર ટકા રાખવાની જવાબદારી સોંપી છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ મે ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે પોલિસી રેપો રેટમાં ૨૫૦ પોઈન્ટનો વધારો કર્યો છે, જેથી ફુગાવાને નિયંત્રિત કરી શકાય. રિઝર્વ બેંકે છેલ્લી ૪ મીટિંગમાં પોલિસી રેટ સ્થિર રાખ્યા છે.
આગામી મોનેટરી પોલિસી કમિટી બેઠક ડિસેમ્બરની શરૂઆતમાં યોજાવાની છે. મોનેટરી પોલિસી કમિટીએ આ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સરેરાશ ફુગાવાનો દર ૫.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જે ૨૦૨૨-૨૩ના ૬.૭ ટકા કરતા ઓછો છે.
આરબીઆઈની નાણાકીય ટેક્નોલોજી (ફિન ટેક) વાતાવરણનો ઉલ્લેખ કરતાં દાસે કહ્યું કે તે ગ્રાહક કેન્દ્રિત છે. સેલ્ફ-રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન દ્વારા વધુ સારી રીતે શાસન વ્યવસ્થા, અસરકારક દેખરેખ, નૈતિક રીતે યોગ્ય પ્રવૃત્તિઓ અને જોખમ વ્યવસ્થાપન અને ફિનટેકના સ્વ-નિયમનને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
જો કે, હેડલાઇન ફુગાવો ખાદ્યપદાર્થોના ભાવના આંચકા પ્રત્યે સંવેદનશીલ રહે છે.ભારતમાં ફિનટેક ક્રાંતિએ અભૂતપૂર્વ ભૂમિકા ભજવી છે. તેની સક્સેસ સ્ટોરી ખરેખર આંતરરાષ્ટ્રીય મોડલ બની ગઈ છે. મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા બેંક ખાતાઓ વચ્ચે તરત જ નાણાં ટ્રાન્સફર કરવાની તેની ક્ષમતાએ લોકોની ડિજિટલ વ્યવહારો કરવાની રીત બદલી નાખી છે. આ ઉપરાંત યુપીઆઈને અન્ય દેશોની ઝડપી પેમેન્ટ સિસ્ટમ્સ સાથે જોડવાનું પણ કામ ચાલી રહ્યું છે.