– ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૭.૧૩% અને પર્સનલ ઈન્કમ ટેક્સ કલેક્શન ૨૮.૨૯% વધ્યા, રૂ. ૧.૭૭ લાખ કરોડનું રિફંડ આપ્યું
– દિવાળી પૂર્વે સરકારી તિજોરી છલકાઈ ગઈ
Updated: Nov 11th, 2023
અમદાવાદ : દિવાળી પૂર્વે સરકારની બોનસ અને અન્ય જાવકમાં વધારો થાય છે પરંતુ આ વર્ષે દિવાળી પૂર્વે સરકારની તિજોરીમાં પણ ધનવર્ષા થઈ છે. દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ૧૭.૫ ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૭.૫ ટકા વધીને રૂ. ૧૨.૩૭ લાખ કરોડ થયું છે. રિફંડને બાદ કર્યા પછી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૨૧.૮ ટકા વધીને રૂ. ૧૦.૬૦ લાખ કરોડ થયું છે. આ આંકડો બજેટમાં નિર્ધારિત લક્ષ્યાંકના ૫૮ ટકા આસપાસ છે.
આવકવેરા વિભાગે શુક્રવારે જણાવ્યું કે ગ્રોસ કલેક્શનમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૭.૧૩ ટકા અને વ્યક્તિગત આવકવેરા વસૂલાત ૨૮.૨૯ ટકા વધી છે. નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન વસૂલાતમાં ૧૨.૪૮ ટકા અને વ્યક્તિગત આવકવેરામાં ૩૧.૭૭ ટકાનો વધારો થયો છે.
ડિપાર્ટમેન્ટે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ટેક્સ રિફંડ પછી ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. ૧૦.૬૦ લાખ કરોડ થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની કરવેરા વસૂલાત કરતાં ૨૧.૮૨ ટકા વધુ છે. આમ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બજેટના અંદાજિત પ્રત્યક્ષ કર સંગ્રહના હેડ હેઠળ નિર્ધારિત કુલ લક્ષ્યના ૫૮.૧૫ ટકા છે.’ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૮.૨૩ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. જે ૨૦૨૨-૨૩ના રૂ. ૧૬.૬૧ લાખ કરોડ કરતાં ૯.૭૫ ટકા વધુ છે.