– સોનું રૂ. ૭૦૦ તથા ચાંદીમાં રૂ. ૫૦૦નો વધારો જોવા મળ્યો
– વૈશ્વિક પેલેડીયમ ગબડી પાંચ વર્ષના તળિયે ૧૦૦૦ ડોલરની અંદર
Updated: Nov 11th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ધનતેરસના દિવસેે ઉંચકાયા હતા. જોકે આરંભમાં ભાવ નોંધપાત્ર ઉંચા ખુલ્યા પછી બપોર પછી થોડા નીચા આવ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૪૫થી ૧૯૪૬ વાળા વધી ૧૯૬૦થી ૧૯૬૧ થઈ ૧૯૪૭થી ૧૯૪૮ ડોલર રહ્યા હતા.
ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં તથા કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ઉછળતાં કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચકાતાં ઘરઆંગણે ધનતેરસના દિવસે કિંમતી ધાતુઓના ભાવ ઉંચા બોલાતા થયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૦૦ ઉછળી રૂ.૬૨ હજારની સપાટી કૂદાવી ૯૯.૫૦ના રૂ.૬૨૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૭૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૭૨૫૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૨૨.૭૪થી ૨૨.૭૫ થઈ ૨૨.૪૮થી ૨૨.૪૯ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધી ચાલુ બજારે ઉંચામાં રૂ.૮૩.૪૮ થયા હતા. તથા છેલ્લે ભાવ રૂ.૮૩.૩૪ રહ્યા હતા.
ક્રૂડતેલના ભાવ તળિયેથી ઉંચકાતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૦.૨૧ વાલા વધી ૮૧.૦૯ થઈ ૮૧.૦૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૫.૯૬ વાળા વધી ૭૬.૭૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૮૬૯ વાળા ગબડી ૮૫૦ થઈ ૮૫૫થી ૮૫૬ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૦૪૮ વાળા નીચામાં ૧૦૦૦ની અંદર ઉતરી ૯૫૦ થઈ ૯૬૧થી ૯૬૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ગબડી પાંચ વર્ષના તળિયે ઉતરી ગયા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૯ ટકા ઘટયા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૯૮૫૬ વાળા રૂ.૬૦૬૨૩ થઈ રૂ.૫૯૯૯૯ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૦૯૭ વાળા રૂ.૬૦૪૪૫ થઈ રૂ.૬૦૨૪૦ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૩૦૦ વાળા રૂ.૭૦૮૫૦ થઈ રૂ.૭૦૪૧૬ બંધ રહ્યા હતા.