- વિશ્વમાં પ્રથમવાર કોઈ દેશ દ્વારા કાયદો લવાયો
- અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ પર હવેથી ઊંચો ટેક્સ વસૂલવાની જોગવાઈ
- કોલંબિયાનો આ કાયદો અન્ય દેશો માટે ઉદાહરણરૂપ પુરવાર થશે
કોલંબિયાએ લોકોની ખરાબ જીવનશૈલીથી થતા રોગો અટકાવવા માટે વિશ્વમાં પહેલીવાર જંક ફૂડ કાયદો લાગુ કર્યો છે. આ નવીન પ્રકારનાં કાયદામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂ.ડ પર હવેથી ઊંચો ટેક્સ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જંક ફૂડ લો તરીકે ઓળખવામાં આવનાર આ કાયદો અન્ય દેશો માટે પણ હઠીલા તેમજ જીવલેણ રોગોને રોકવા માટે ઉદાહરણરૂપ પુરવાર થશે. ઘણા વર્ષોની ઝુંબેશ અને પ્રયોગો પછી જંક ફૂડ લો અમલમાં આવ્યો છે જેમાં જંક ફૂડ પર તબક્કાવાર ટેક્સ ઉઘરાવવામાં આવશે. શરૂઆતનાં તબક્કામાં તમામ પ્રકારનાં જંક ફૂડ પર તાત્કાલિક 10 ટકાનાં દરે ટેક્સ ઉઘરાવવામાં આવશે. આવતા વર્ષે તેને વધારીને 15 ટકા કરાશે અને 2025માં જંક ફૂડ પર 25 ટકાનાં દરે ટેક્સ લાગુ કરવામાં આવશે.
મીઠાનાં વધુ ઉપયોગને કારણે અનેક રોગોને આમંત્રણ
દરેક કોલંબિયન દ્વારા દરરોજ 12 ગ્રામ મીઠું ઉપયોગ લેવામાં આવે છે. જે લેટિન અમેરિકામાં અને ખાસ કરીને વિશ્વમાં સૌથી વધુ ઊંચું પ્રમાણ છે. આ પ્રકારે સોડિયમનાં વધુ વપરાશને કારણે જુદાજુદા રોગો થાય છે. આરોગ્યને હાનિકારક ગણાતા સોડિયમથી હાઈ બ્લડ પ્રેશર થાય છે. મેદસ્વિતા વધે છે તેમજ પેટ અને લિવરને લગતા રોગો થાય છે. કોલંબિયાની મેઈલમેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનાં અભ્યાસમાં જણાવ્યા મુજબ બિનઆરોગ્યપ્રદ ખોરાકનો વધુ પડતો ઉપયોગ કરવાથી સગર્ભાવસ્થા માટે મોટી ઉંમરનાં બાળકને જન્મ આપવાનાં ઊંચા જોખમ સાથે સંકળાયેલું છે.
જંક ફૂડ એટલે શું? । કાયદા મુજબ જંક ફૂડમાં એવા પ્રોસેસ્ડ ફૂડને સામેલ કરવામાં આવ્યા છે જેમાં વધુ પ્રમાણમાં ખાંડ હોય, વધુ પ્રમાણમાં મીઠુ હોય, આવા ખોરાકમાં સેચ્યુરેટેડ ફેટ્સ હોય, જુદાજુદા પ્રકારનાં સૉસ હોય, અનાજ હોય, જેલી તેમજ જામ હોય, કોન્ડીમેન્ટ્સ હોય, મસાલા હોય તેમજ સ્પાયસી મસાલાનો ઉપયોગ કરાયો હોય.
ફૂડનાં પેકિંગ પર ચેતવણી
કોલંબિયાની સરકારે આરોગ્યને હાનિકારક ફૂડનાં પેકેટ પર ફરજિયાતપણે હેલ્થ વૉર્નિંગ છાપવાનું અમલી બનાવ્યું છે. જેમાં ફૂડમાં રહેલા વધુ પડતા સેચ્યુરેટેડ ફેટ તેમજ વધુ પડતા ખાંડનાં પ્રમાણને દર્શાવવામાં આવે છે. હેલ્થ વૉર્નિંગ લેબલવાળા ફૂડ પેકેટ પર નવો ટેક્સ લાગુ પડશે તેવી પણ જાહેરાત કરાઈ છે.